પૃષ્ઠ:Dadajini Vato.djvu/૪૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

મહારાજ ! જાનવર બોલે છે કે વિક્રમને ચૌદ મહિનાનું નવું આયખું મળ્યું."

"પંડિતજી, તમે રોજ રોજ સાંબેલા રોડવવા કેમ મંડ્યા ? સાડા ત્રણ દીમાંથી પરબારા ચૌદ મહિના શી રીતે વિંયાણા ?"

"મહારાજ, પુણ્યે પાપ નાસતાં !"

"એટલે શું ?"

"સાડા ત્રણ દી ખજાનો લૂંટાવ્યો તેના પુણ્યના થર ઉપર થર ચડી ગયા."

"એમ ?"

"હા મહારાજ ! મારાં ભાખ્યાં ખોટાં પડે તો હું બ્રાહ્મણનો દીકરો લાકડા લઉં - જીવતો સળગી મરું."

ઉજેણી નગરીને આંગણે આંગણે ધોળ-મંગળ ગાજવા લાગ્યાં. મંદિરોમાં ઝાલરના ઝણકાર ગુંજવા મંડ્યા.

[૨]

અધરાતનો પહોર થતો આવે છે. રાજા વિક્રમને ઊંઘ આવતી નથી. હેમનાં કડાંવાળી હિંડોળાખાટે બેઠા બેઠા ગુડુડુડુ ! ગુડુડુડુ ! ઝંજરી પી રહ્યા છે. રાણીજી બેઠાં બેઠાં હીરની દોરી તાણે છે. કીચડૂક ! કીચડૂક ! હિંડોળા ખાટ હાલી રહી છે. આખી ઉજેણી બીજા પહોરની ભરનીંદરમાં પડી છે. એવે સમે -

આવ્યે હે રાજા વિક્રમા !
આવ્યે હે માળવાના ધણી !
આવ્યે હે પરદુઃખભંજણા !


એવા વિલાપ થવા મંડ્યા. ઝબકીને રાજા વિક્રમ ઊભા થઈ ગયા. ’અહોહો ! આવે ટાણે મારા નામના આવા રુદન્ના કોણ કરે છે ? અધરાતેય ઉજેણીમાં જેને જંપ ન મળે એવું દુખિયારું કોણ હશે ?’

ત્યાં તો ફરી વાર વિલાપના સૂર નીકળ્યા. રાજા વિક્રમનું કલેજું વિંધાવા મંડ્યું. અંધારપછેડો ઓઢી, ત્રણસે ને સાઠ તીરનો ભાથો ખભે બાંધી, ગેંડાની ઢાલ ગળે નાખી, હાથમાં ઝંજરી લઈ કટ ! કટ ! કટ ! મેડીનાં પગથિયાં ઊતર્યા અને ઊભી બજારે વિલાપના અવાજને માથે પોતે પગલાં માંડ્યાં.

બરાબર માણેકચોકમાં આવીને જુએ ત્યાં તો કોઈ માનવીયે નહિ, કૂતરુંયે ન મળે, કાળું ઘોર અંધારું ! માણસને પોતાનો સગો હાથ પણ ન દેખાય એવી મેઘલી રાત. વાદળાંનો ઘટાટોપ બંધાઈ ગયો છે. ત્રમ ! ત્રમ! તમરાં બોલે છે.

’કોઈ નથી. અભાગિયો જીવ જ એવો છે કે દુઃખના પોકારના ભણકારા સાંભળ્યા કરે છે ! હાલો પાછા.’ એટલું કહીને વિક્રમ જ્યાં પાછું પગલું ભરે છે ત્યાં તો વળી પાછા -

આવ્યે હે બાપા વિક્રમા !
આવ્યે હે માળવાના ધણી !