પૃષ્ઠ:Dadajini Vato.djvu/૪૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

આવ્યે હે પરદુઃખભંજણા !

- એવા વિલાપ સંભળાણા. ’અ હો હો ! આ તો ગઢને દરવાજે કોઈક વિલાપ કરે છે,’ એમ કહીને એ ખાવા ધાય તેવી સૂનસાન બજારમાં રાજા ચાલ્યો. દરવાજે જઈને જુએ તો કોઈ ન મળે ! ન કાળા માથાનું માનવી કે ન કૂતરું.

’ફટ રે અભાગિયા જીવ ! આવા ઉધામાં ક્યાંથી ઊપડે છે ?’ એમ બોલીને પાછા ફરવા જાય ત્યાં તો ફરી વાર પોકાર સાંભળ્યા. રાજા કાન માંડીને સાંભળે છે : ’હાં ! આ તો સફરા નદીને સામે કાંઠે, ગંધ્રપિયા મસાણને ઓલ્યે પડખે માતા કાળકાના મંદિરમાંથી રુદન્ના થાય છે.’

સફરા નદી બે કાંઠે સેંજળ હાલી જાય છે. એનાં છાતી સમાણાં પાણી વીંધીને રાજા સામે કાંઠે પહોંચ્યા. મંદિરમાં જઈને જુએ ત્યાં સવા મણ ઘીની મહાજ્યોત ઝળળ ! ઝળળ ! બળી રહી છે. માતા કાળકા કોરું ખપ્પર લઈને ઊભાં છે. એની બેય આંખોમાંથી આંસુડાંની ધાર હાલી જાય છે. વિક્રમે હાથ જોડીને પૂછ્યું : ’હે માડી ! મારા નામની રુદન્ના આ મંદિરમાંથી કોણ કરતું‘તું ?"

"ખમા ! ખમા, મારા બાપ ! ઈ તો હું કાળકા કરું છું."

"તું ! અરે, તું ચાર જગની જોગમાયા મારા નામના વિલાપ કરીશ તો પછી સારાવાટ ક્યાંથી રહેશે, માડી ?"

"આમ જો બાપ ! મારાં ખપ્પર ખાલી થઈ ગયાં અને તારા વિના ઈ ખપ્પર કોણ ભરે ?"

"બોલ મા, શું ધરું ?"

"બાપ, બત્રીસલક્ષણાનું લોહી !"

"ગાંડી થા મા ! ધરતીને માથે બત્રીસલક્ષણા કાંઈ વેચાતા મળે છે ?"

"તું પોતે જ છો ને !"

"વાહ વાહ ! રૂડું કહ્યું. તૈયાર છું, માડી ! બોલ, હમણે જ માથું વધેરી દઉં ?"

"અરરર ! હાય હાય ! બાણું લાખ માળવો રાંડી પડે. દુનિયા વાતો કરશે કે કાળકા દેવી નહોતી, ડાકણ હતી. બાપ ! ગોહિલવાડમાં મુંગીપરનો ધણી શાળવાહન છે. એને ચાર દીકરા છે. ચારેય બત્રીસલક્ષણા : હાથપગમાં પદમ કમળની રેખાઓ છે : ચારે શંકરના ગણ : એમાં નાનો વીરોજી તારે સાટે માથું આપે તેવો છે."

ખડ ! ખડ ! ખડ ! હસીને રાજા વિક્રમ બોલ્યો : "અરે મા ! મારે કારણે પારકાના દૂધમલિયા દીકરા ભરખવા કાં ઊભી થઈ ? એના માવતરને વીરોજી કેવો વા‘લો હશે ? એ મારે માટે લોહી આપે અને હું એને ઊભો ઊભો જોઉં ? ધિક્કાર ! ધિક્કાર છે આ જનમારાને !"