પૃષ્ઠ:Dadajini Vato.djvu/૪૫

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

બાપ વિક્રમ ! ઘરે જા. તું ધરતીનો ધણી : આભનો થાંભલો : તારી થાળીમાં લાખનો રોટલો : તું જાતાં કેટલી દીકરીઓ રંડાશે ! અને મારે માથે મેણું ચડશે. તું જા ઘરે; વીરાજીને હું જ જઈને પૂછું છું."

એમ કહી, સમળીનું રૂપ લઈને માતા કાળકા અંધારી રાતે પોતાની પાંખો ફફડાવતી ખ ર ર ર ર આકાશને માર્ગે ઊડી. ઘટાટોપ વાદળાંને પાંખોની થપાટો મારીને પછાડતી જાય છે અને એ પાંખોનો માર વાગતાં પવન તો સૂસવાટા મારે છે.

અગર ચંદણનાં આડસર, બિલોરી કાચનાં નળિયાં, અને હેમની ભીંતો : એવા રંગમહેલમાં મુંગીપર નગરીનો રાજકુંવર વીરોજી બેઠા છે. મધરાતનાં ઘડિયાળાં ટનનન ! ટનનન ! વાગ્યાં તોયે ઊંઘ આવતી નથી. સામે બેઠી બેઠી એની રાણી કીચૂડ ! કીચૂડ ! હિંડોળાખાટ તાણી રહી છે. બેયને ભરજોબન હાલ્યાં જાય છે. આંખોમાં હેતપ્રીત સમાતાં નથી. નેણેનેણે સામસામાં હસે છે.

ત્યાં તો ઘ ર ર ર ! સમળાને રૂપે માતાજી મેડીને માથે બેઠાં અને કડડડ કરતી આખી મેડી હલમલી ગઈ.

"અરે થયું શું ! આભનો કટકો પડ્યો કે શું !" એમ કહીને વીરોજી હાથમાં તીરકામઠી લઈને મેડીએથી અગાસીમાં કૂદ્યો, કેસરીસિંહના જેવી છલાંગ દીધી, અને જ્યાં મેડીના છાપરા માથે નજર કરે ત્યાં તો વિકરાળ રૂપ !

"બોલ ! ઝટ બોલ ! તું ડેણ છો ? ડાકણ છો ? કોણ છો ? બોલ ઝટ, નીકર એક તીરડા ભેળી વીંધી નાખું છું."

"ખમા ! ગંગાજળિયા ગોહિલ, ખમા ! ખમા ! બાપ વીરાજી, ખમા ! દીકરા, હું ડેણ નથી. ડાકણેય નથી. હું તો દેવી કાળકા !"

"ઓ હો હો હો !" તીરડો ઉતારી, પાઘડીનો છેડો અંતરવાસ નાખી, હાથ જોડીને વીરોજી બોલ્યો : "ધન્ય ભાગ્ય ને ધન્ય ઘડી મારાં, કે ઘેર બેઠાં કાળકા દર્શન દેવા આવ્યાં ! અને ધન્ય ભાગ્ય રાજા વિક્રમનાં કે બારે પહોર તું જેને બોલે બંધાણી ! ભલે ! રાજા વિક્રમ, ભલે ! માડી, વીર વિક્રમ ખુશીમાં છે ને ?"

"બાપ ! વિક્રમનું તો આજકાલ્ય કાચુંપોચું સમજવું."

"કેમ માડી ?"

"ચૌદ મહિને એનો દેઈકાળ !"

"એકાએક ?"

"શું કરું ? મારું ખપ્પર ઠાલું ! મારે બત્રીસો જોવે."

"હે દેવી ! દુનિયામાં બત્રીસાની ખોટ પડી કે તું વિક્રમ જેવા આભના થાંભલાને તોડી નાખીશ ?"

"બાપ વીરાજી ! તુંયે બત્રીસલક્ષણો. તારાયે હાથપગમાં પદમ કમળની રેખાઉં છે. તું તારું માથું આપ તો રાજા વિક્રમ અગિયારસો વરસ જીવે."