પૃષ્ઠ:Dadajini Vato.djvu/૪૬

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

"વાહ માડી ! અટાણથી જ આ માથું વિક્રમને અર્પણ કરું છું. શું કરું ? એક જ માથું છે. પણ રાવણની જેમ દશ માથાં હોત તો દશ વાર વધેરીને તારા ખપ્પરમાં મેલી દેતા. ધરતીને માથે વિક્રમનાં આયખાં અમર કરી આપત. એ મા ! વિક્રમ જેવા ધર્માવતારને માટે ડુંગળીના દડા જેવડું માથું વાઢી દેવાનું છે એમાં તો તમે આટલાં બધાં કરગરી શું રહ્યાં છો ?"

"પણ ઉજેણી બહુ છેટી છે બાપ ! પહોંચીશ બહુ મોડો."

"તમે કહો એમ કરું."

"લે બાપ, આ ચપટી ધૂપ. સવારે તળાવમાં જઈને ઘોડાને ધમારજે. પછી આ ધૂપ દેજે. તારા ઘોડાને પાંખો આવે તો જાણજે કે દેવી કાળકા આવી‘તી. નીકર કોઈક ભૂત બોલ્યું જાણજે."

એટલું કહીને ફડ ! ફડ ! ફડ ! પાંખો ફફડાવીને માતાએ ઉજેણીના મારગ લીધા. અધરાતના આભમાં એનો વેગ ગાજવા મંડ્યો. નવલખ ચાંદરડા જાણે કે આ અંધારા આભમાં ઝળળળ જ્યોતનો ગોળો ઘૂમતો જોઈને ફાટી આંખે જોઈ રહ્યાં.

મરક મરક મોઢું મલકાવતો વીરોજી મેડીમાં ગયો.

એના હૈયામાં હરખ માતો નથી. પોતે માથું દઈને વિક્રમને જિવાડશે એ વાતનો ઉછરંગ આવવાથી એના અંગરખાની કસો તૂટી પડી છે. ત્યાં તો રજપૂતાણીનાં નેત્રોમાંથી ડળક ડળક આંસુડાં દડવા મંડ્યા. વીરોજી કહે : "કેમ રે રજપૂતાણી ?"

"ઠાકોર ! આમ માથાં દેવાના કોલ કોને દીધા ? કોને બોલે બંધાણા ? પરણેતરનો ચૂડલો ભંગાવવા કેમ તૈયાર થયા ? એમ હતું તો પરણ્યા શીદને ?"

"ફટ રે ફટ રજપૂતાણી ! નક્કી તારા પેટમાં કોઈ ગોલીના દૂધનું ટીપું રહી ગયું. નીકર આવા વેણ રજપૂતાણીના મોંમાંથી નીકળે ? હે અસ્ત્રી ! વિક્રમ જેવો ધરતીનો થાંભલો બચતો હોય ત્યાં તને તારો ચૂડલો અને તારી જુવાની વહાલાં લાગ્યાં ? મેં તો માનેલું કે હું માથું વાઢીશ અને તું હસતી હસતી એને પાલવમાં ઝીલીશ. અસ્ત્રી ! અસ્ત્રી ! નવખંડ ધરતીમાં જુગોજુગ નામના રહી જાય એવો જોગ આવ્યો તે ટાણે પાંપણ્યું પલાળવા બેઠી છો !"

રજપૂતાણી આંખ્હો લૂછી નાખી, દોટ દઈને ભરથારને ભેટી પડી. હાથ જોડીને બોલી કે "ઠાકોર ! હું ભૂલી. સુખેથી સિધાવો. પણ હું કેમ કરીને જાણીશ કે તમારી શી ગતિ થઈ છે ? મારે ને તમારે ક્યાંઈક છેટું પડી જાય તો ?"

"હે રાણી ! લ્યો આ બે બી. એને વાવજો, પાણી પાતાં રહેજો. એના છોડવા ઊગશે. બેય છોડવા લીલા કંજાર રહે ત્યાં સુધી જાણજો કે વીરાજીને ઊનો વાયે નથી વાયો; અને કરમાય એટલે સમજી જાજો કે વીરાજીની કાયા પડી ગઈ છે. પછી તમારો ધરમ કહે તેમ કરજો."