પૃષ્ઠ:Dadajini Vato.djvu/૪૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

હસવા મંડી પડી. "અરે બાઇયું, મૂંગો રહ્યો હતો ત્યાં સુધી જ માત્યમ હતું હો કે ! બોલ્યો ત્યાં તો બધાય રંગઢંગ કળાઈ ગયા. અહાહાહા ! વિધાતાએ રૂપરૂપના અંબાડ આપ્યા, પણ ચપટીક મીઠું નાખતાં ભૂલી ગઈ ! હા-હા-હા-હા !"

ઝંખવાણો પડીને વીરોજી કહેવા મંડ્યો : "બાઇયું, બેનડિયું ! અમે પરદેશી છીએ. અમારી હાંસી કાં કરો ? અમને જેવું હોય એવું કહી નાખોને !"

પનિયારીઓએ વહાલભરી વાણીમાં જવાબ દીધો : "વીરા ! બાપ ! ઉજેણી નગરી તો અઢીસો ગાઉ વાંસે રહી ગઈ. અને આ તો નવમો કોટ છે અવળચંડ રાઠોડનો. ખમા મારા વીર ! જો આ સામે રાઠોડુંની કચારી બેઠી."

બાર હજાર રાઠોડોની કચારી જામી છે. માટીઆરા માટી, ઢાલરા ત્રસીંગ, અવળી રોમરાયવાળા. એકબીજાને કંધૂર ન નમાવે એવા વીર વીરાસન વાળીને બેઠા છે. એક જોઈએ ત્યાં બીજાને ભૂલીએ એવા શૂરવીર ! શૂરવીરાઈ જાણે ડિલને આંટો લઈ ગઈ છે.

વીરોજી વિચારે છે : ’હવે જો પાદર થઈને હાલ્યો જાઈશ અને રાઠોડોને ખબર પડશે તો મેણું દેશે કે, ગોહેલવાડનો ધણી અંજળી કસુંબાની ચોરીએ મોં સંઘરીને પાદરમાંથી હલ્યો ગયો ! માટે હાલ્ય એક દી રહી, રાઠોડોના દાયરાને કસુંબે હેડવી, પછી વળી નીકળું.’

ઘોડો દોરીને દાયરામાં જાય ત્યાં કચારીમાંથી માણસો દોડ્યાં આવ્યાં. ઘોડો ઝાલી લીધો. પધારો ! પધારો ! કરતા પરોણાને દાયરામાં મોખરે દોરી ગયા, નામઠામ જાણ્યું ત્યાં તો ’ઓહોહોહો ! મુંગીપરનો કુંવરડો આજ અમારે ઘેરે એકલઘોડે અસવાર ! ધન્ય ઘડી ! ધન્ય ભાગ્ય !’ એવા બોલ બોલાવા લાગ્યા.

"અંજળ દાણોપાણી મોટી વાત છે." એમ કહીને વીરાજીએ પોતાના ખડિયામાંથી માળવી, કોંટાઈ, બીલેસરી, આગ્રાઈ અને મિસરી એવાં પાંચ જાતનાં અફીણ કાઢીને રાઠોડોની સામે ધર્યા. ખરલમાં કસરક ભુટાક ! કસરક ભુટાક ! કસુંબો ઘૂંટાવા મંડ્યો.

સામસામી અંજળી ભરાવી, હેતુમિત્રને રંગ છાંટી આખે દાયરે કસુંબો પીધો.

રાઠોડોએ પૂછ્યું : "ઘરેથી ક્યારે નીકળ્યા‘તા ?"

"આજ સવારે."

રાઠોડો સામસામા મરકવા મંડ્યા : ’સેંકડો ગાઉને માથે મુંગીપર ! મારે વા‘લે સાંબેલું રોડવ્યું !’

ચતુર સુજાણ વીરોજી કહે કે "રાઠોડભાઈઓ, આ ગપાટો નથી. આમ જોઈ લ્યો, જુગદમ્બાએ ઘોડાને પાંખો આપી છે. જાઉં છું વિક્રમને સાટે માથું ચડાવવા."