પૃષ્ઠ:Dadajini Vato.djvu/૪૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

રાઠોડોની પાસેથી રજા માગી લઈને રોંઢે વીરોજી ચડી નીકળ્યા. સીમાડે જાય ત્યાં એકદંડિયો રાજમહેલ : અને રાજમહેલને ફરતી સાત માથોડાં સીણાની ખાઈ.[૧] મહેલની અંદર ઝોકાર જ્યોત બળે છે અને કોઈક મીઠી જીભવાળું માનવી જુગદંબાના નામના જાપ જપી રહ્યું હોય એમ લાગ્યું.

"ભાઈ ચોકીદાર !" વીરોજીએ ઘોડો થંભાવીને પૂછ્યું : "રણવગડામાં આવો મહેલ શેનો ? અને આ સીણાની ખાઈ શા માટે ?"

"ઠાકોર ! અવળચંડ રાઠોડની કુંવરી આ એકલદંડિયા મહેલમાં જુગદમ્બાની માળા જપે છે. પુરુષ નામે દાણો જમતી નથી. એણે વ્રત લીધાં છે કે આ સીણાની ખાઈ વળોટે એને જ વરું; બીજા બધા ભાઈ-બાપ."

"તે શું અટાણ લગી કોઈ રજપૂતનો દીકરો નથી જડ્યો ?"

"ઠાકોર, અહીં તો કૈંક આવ્યાં. પણ પગ મૂકતાં જ આ સીણામાં ગપત થઈ ગયા, તે આજની ઘડી ને કાલ્યનો દી ! ક્યાંય પતો નથી. પાણી હોય તો તરી જાય, અગ્નિ હોય તો માથે જીવતાં માનવીનાં શરીર પાથરીને ઓળંગી જાય; પણ આ તો સીણો !"

"જે જોગમાયા !" કહીને વીરોજી ઘોડેથી ઊતર્યો. ચોકીદારને કહ્યું કે, "ભાઈ, અમારે કાંઈ કુંવરીને વરવાની અબળખા નથી. અમારે ઘરે ઠકરાણાં બેઠાં છે. વળી અમે તો જાયે છયેં મોતને મારગે. પણ આ તો રજપૂતાણીની કૂખ લાજે છે એટલે અમે હોડમાં ઊતરીએ છીએ."

એમ કહીને જે ઘડીએ વીરાજીએ સીણામાં ડગલું દીધું ત્યાં તો જાણે કે વીસ ભુજાળી હથેળી દીધી. બીજું, ત્રીજું, ચોથું એમ ડગ ભર્યાં ત્યાં તો ડગલે ડગલે માતા હથેળીઓ દેતાં આવે છે. કટ કટ કટ કરતો વીરોજી સીણાની ખાઈ વળોટી ગયો.

"લ્યો ભાઈ, રામ રામ," કહીને વીરાજીએ ઘોડો મારી મૂક્યો. ’ઓ જાય ! ઓ જાય અસવાર ! ઓ જાય ખાઈનો વળોટનારો !’ એવા હાકલ પડ્યા.

રાજકુંવરીને જાણ થઈ કે કોઈક રજપૂત એનાં વ્રત પૂરીને જાય છે. ઝરૂખેથી એણે એક ઘોડાના અસવારને જોયો. ડુંગર જેવડો ઊંચો ઘોડો માથે ઝગારા કરતો બખતરિયો જોદ્ધો, અને ત્રીજો, ઘોડાના પૂંછનો ઝુંડો : એમ જાણે ત્રણ ત્રણ અસવારનું જૂથ જાતું લાગ્યું.

"હાં, છોડિયું ! પાલખી લાવો."

પાલખી હાજર થઈ. કુંવરી અંદર બેઠી. ખડદાવેગી, ઢોલ્યફાડ્ય, લવિંગડી અને છોકરાંફોસલામણી, એવી ચાર બાનડીઓએ પાલખી કાંધે ચડાવીને દોટ કાઢી.

પણ ધોમ તડકો ધખી રહ્યો છે. ધરતી ખદખદે છે. આભમાંથી અંગારા વરસે છે. બાનડીઓ દોડી શકતી નથી. અને અસવાર તો ધૂળની ડમરી ચડાવતો ચડાવતો ઓ જાય ! ઓ જાય ! ઓ અલોપ થાય !

  1. સીણો : રાજગરો અગર રાઈ જેવું ઝીણું ખડ-ધાન્ય.