પૃષ્ઠ:Dadajini Vato.djvu/૫૦

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

અસવારને અલોપ થતો જોઈ જોઈને રાજકુંવરીનું અંતર ચિરાય છે. એ હાકલ કરે છે કે ’છોડીઉં ! ઝટ આંબી લ્યો, નીકર મારે જીવતે રંડાપો રે‘શે."

ધબ દેતી પાલ્જખી ધરતી પર મેલીને બાનડીઓ બોલી ઊઠી કે, "બાઈ, ઈ રાજાને તારે પરણવો છે, અમારે નથી પરણવો. અમારે તો અમારો કાનિયો, પીતાંબરો અને ભોજિયો બાર બાર વરસના બેઠા છે. ઘણી ખમ્મા એને ! તારે એકલીને દોડવું હોય તો માંડ્ય દોડવા."

એટલું બોલીને ટીડનો ઘેરો જાય એમ ઘરરર બાનડીઓ પાછી વળી ગઈ.

અંતરિયાળ રાજકિંવરી એકલી થઈ ગઈ. પણ એનાં ઘટડામાં તો બસ, પરણું તો એને જ. બીજા બધા ભાઈ-બાપ, એમ રઢ્ય લાગી ગઈ છે.

એણે દોટ કાઢી. ગુલાબનાં ફૂલ જેવાં પગનાં તળિયામાં ઝળેળા પડવા માંડ્યા. ગળે કાંચકી બંધાઈ ગઈ.

"ઊભો રે‘જે ઘોડાના અસવાર ! ઊભો રે‘જે રજપૂતડા ! ઊભો રે‘જે ચોર !" એવી ધા નાખતી રાજકુંબરી રણવગડો વીંધી રહી છે.

આઘે આઘે વીરાજીને કાને ભણકારા પડ્યા. ઘોડો થંભાવીને પછવાડે નજર કરે તો અંતરિયાળ એક અબળા ધા દેતી આવે છે.

આવીને રાજકુંવરી ભર્યે શ્વાસે બોલી કે "હે રજપૂત ! અબળાનાં વ્રત પૂરાં કરીને આમ ચોરની જેમ ચાલી નીકળ્યો દયા ન આવી, ઠાકોર ? એમ હતું તો પછી કોણે કહ્યું હતું કે ખાઈ વળોટજે ?"

રજપૂતાણીની આંખોના ખૂણામાં લોહીના ટશિયા આવી રહ્યા છે. વીરોજી ખસિયાણો પડીને બોલ્યો : "હે રજપૂતાણી, હુ< તો પાંચ દીનો પરોણો છું. આ તો ક્ષત્રિયકુળનું નાક વઢાતું હતું તેથી ખાઈ વળોટ્યો. પણ તમે મારી વાંસે શીદને મરવા આવો છો ? હજુ તો જુવાન છો, ઊગ્યો છે એને આથમતાં ઘણી વાર લાગશે. માટે જાવ, પાછાં વળો; કોઈક સારો જુવાન જોઈને વીવા કરી નાખજો અને જુવાનીનાં સુખ ભોગવજો."

કાનના મૂળ સુધી કુંવરીનું મુખારવિંદ લા... આ... લઘૂમ થઈ ગયું. એની કાયા કંપી ઊઠી. એ બોલી : "બસ થયું રજપૂત ! રૂડાં વેણ કહ્યાં ! હવે ઝાઝું બોલશો મા. નીકર આ જોઈ છે ? હમણાં મારાં આંતરડા< કાઢીને તમારા ગળામાં પહેરાવી દઈશ."

રજપૂતાણીના હાથમાં કટાર ઝળક ઝળક થવા માંડી. વીરોજી અજાયબ થઈ ગયો : "હે કુંવરી ! હું તમને શી રીતે સાથે લઉં ? આપણે કુંવારા છીએ. ચાર મંગળ વરત્યાં નથી. તમારો છેડો અડે તો મને કેટલું પાતક ચડે !"

"સાચું કહ્યું રાજા ! પણ આપણા જ વડવા આવા સમયને માટે મરજાદો બાંધી ગયા છે કે પથારી કરવી તો વચ્ચે ખાંડું ધરવું; અને બેલાડ્યે બેસવું તો આડી કટાર રાખવી."