પૃષ્ઠ:Dadajini Vato.djvu/૫૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

રાતનો પહોર વીત્યો. બારણું ઊઘડ્યું. ખભામાં તલવાર, વરરાજાનો પોષાક, અને દીનાનાથ નવરો હશે તે દી કોયલાનાં ભુકામાંથી ઘડેલ હોય એવા કાળામશ શરીરવાળો આદમી અંદર આવ્યો.

કાષ્ટની પૂતળી સંચો દાબતાં જ કૂદકો મારે તેમ છલાંગ મારીને રાજકુંવરી ઊભી થઈ ગઈ.

આવનારઅ પુરુષે પૂછ્યું, " ખોલો છો ? કે મારા કાકાને બોલાવું ?"

"તમે કોણ છઓ ?"

"તમારા સ્વામીનાથ ! બીજું કોણ ! મારા કાકાને મને કહી મેલ્યું‘તું કે જે દી હું ખૂબ ધન ધૂતી આવું તે દી મને પરણાવે. તે આજ મને તમારી સાથે પરણાવ્યો."

"તે તમે ગોર નહિ ?"

"ગોર ખરા, પણ ધુતારા ગોર."

ચતુર રજપૂતાણી બધીયે બાજી સમજી ગઈ : હવે સ્ત્રીચરિત્ર કર્યા વગર ઊગરવાનો આરો નથી રહ્યો.

’આવો આવો, સ્વામીનાથ !’ એમ કહીને એ સીસમના પૂતળાને પોતાની પાસે બેસાર્યો.

ધુતારો તો ગાંડોતૂર થઈ ગયો.

"અને આ શું ?" એમ કહીને કુંવરીએ તરવાર સામી આંગળી ચીંધી.

"ઈ તરવાર ! તમે જો ના પાડી હોત તો આમ કરીને આમ તમારું ડોકું વાઢી નાખત, ખબર છે ?"

"અરરર ! માડી રે ? તો તો હું તમારી પાસે આવતાં બીઉં છું. આઘી મૂકી દ્યો."

"હાં ! ત્યારે એમ બોલોને !" એમ કહીને ધુતારાએ તરવાર ખીંતીએ ટિંગાડી. કુંવરીએ એને વાતોએ ચડાવ્યો. ધુતારો તો અગ્નિમાં મીણ ઓગળે તેમ ઓગળી ગયો. ભાન ભૂલી ગયો.

સિંહણની જેમ કૂદીને કુંવરીએ ખીંતીએથી તરવાર ખેંચી. ’જે જોગમાયા’ કહીને ઠણકાવી. ચાકડાને માથે કુંભાર દોરી ચડાવીને માથું ઉતારી લ્યે તેમ માથું ઉતારી લીધું ![૧] ધખ ! ધખ ! લોહી વહ્યું જાય છે.

થર ! થર ! થર ! થર ! રણચંડી જેવી રજપૂતાણી જાગી ગઈ. પણ હજુ લીલા બાકી હતી. જો જાણ થાશે તો મને મારીને દાટી દેશે.

ધુતારાની લાશના કટકા કર્યા. બારીમાં અને બારણામાં ટુકડા ટિંગાડ્યા. માતાના જાપ જપતી જાગી. સવારે કમાડ ઉપર કોઈએ સાંકળ ખખડાવી કે "ઊઠ્યને ભાઈ ! સોનાનાં નળિયાં થઈ ગયાં."


  1. મુદ્રારાક્ષસ:સાચું વાક્ય આમ જોઈએ = ચાકડાને માથે કુંભાર દોરી ચડાવીને માટલું ઉતારી લ્યે તેમ માથું ઉતારી લીધું !