પૃષ્ઠ:Dadajini Vato.djvu/૫૩

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

કમાડ ઉઘાડીને કુંવરીએ ધડ રોડવ્યું. ધડબડ ! ધડબડ ! થાતું ધડ નીચે ગયું. ’વોય બાપ રે !’ કરતા માણસો ભાગ્યા.

બહાર નીકળીને બારીમાં જુએ ત્યાં તો હાથ, પગ, ને માથું લટકે છે !

"ફરિયાદ ! ફરિયાદ ! એ રાજા વિક્રમ, ફરિયાદ ! અમારા દીકરાને ડાકણ ખાઈ ગઈ." એવો પોકાર થઈ પડ્યો.

"હાં, છે કોઈ હાજર ?"

’એક કહેતા એકવીસ !’ એમ કહેતાં કસળોભી ને ગુમાનસંગભી ને મેરામણભી જેવા રજપૂતો ઢાલ તરવાર લેતા દોડ્યા. આવીને નજર કરે ત્યાં તો ’વોય બાપ રે ! એક મડું ! પાંચ મડાં ! સો મડાં !’ એમ કરતાં ભાગ્યા. શરીરે રેબઝેબ પરસેવો છૂટી ગયો.

"હાં, છે કે કોઈ !" રાજા વિક્રમે હાકલ કરી.

’એક કહેતાં એકવીસ !’ એમ કહીને મિંયાં ફેંકણે ફેં, ફલાદીદૌલત, હાંડીબૂચ ને મલકલેરિયા દાઢી ઉપર હાથ નાખતા ઊપડ્યા.

"અરે સાલે રજપૂતડે ક્યા કર સકે !"

જ્યાં ધુતારાની મેડી સામે જાય ત્યાં તો - "યા મેરે અલ્લા ! યા ખુદા ! યા નબી ! સાલી મડે પર મડે ફીંકતી હે, ચલો બીબીયાંકી પાસ પહોંચ જાવે" એમ કહીને ભાગ્યા.

રાજાની કચેરીમાં હાહાકાર મચી ગયો. બીડદારે બીડું ફેરવ્યું. આખી કચેરીએ ધરતી સામાં મોં ઢાળ્યાં.

ત્યારે વીરાજીએ ઊભા થઈને બીડું ઝડપ્યું. હથિયાર બાંધીને પોતે હાલી નીકળ્યો.

ધુતારાના મહેલની બારીમાંથી રાજકુંવરીએ વીરાજીને આવતા જોયો. હૈયે ધબકારા બોલી ગયા. તરવાર હેઠી મેલી દીધી. ઘુમટો ખેંચ્યો. પાછી ફરીને ઊભી રહી. વીરોજી કટ કટ કરતો મેડીએ ચડી ગયો. એણે પડકારી કે, "બોલ ! બોલ ! બોલ ! તું કોણ છે ?"

ઘૂમટામાંથી કુંવરીએ મેણાં કાધ્યાં : "ધન્ય છે ! વડા જળસાપ, ધન્ય છે તને ! કોઈનું પાડરું ખોવાય તો યે ધણી સાંજ પડ્યે ખોળવા નીકળે; એને કોળિયો ધાન ન ભાવે; સુખે નીંદર ન આવે. પણ તું ! ક્યાં તારી અસ્ત્રી ! ક્યાં તારો ઘોડો ! વિચાર ! વિચાર ! હે રાજા ! વિચાર તો કર ! હે રજપૂત ! તેં મારા માથે ડાભડો ઉગાડ્યો !"

ઝબ દઈને વીરાજીએ તરવાર ખેંચી. "ડાકણ ! વગડામાં મને ભરખવા આવી‘તી અને હું છટક્યો એટલે આ પારકા જણ્યાને ચાવી ગઈ ? થઈ જા મોઢા આગળ !"

ધ્રુસ્કે ધ્રુસ્કે રોતી એ રાજકુંવરી મોઢા આગળ, અને વાંસે ઉઘાડી તરવારે વીરોજી : બેય ઉજેણીની ઊભી બજારે હાલ્યાં જાય છે. લોકોની મેદની વચ્ચે કેડી પડી ગઈ છે. નગરીમાં સમી સાંજે સોપો પડ્યો છે.

ભરકચેરીમાં રાજા વિક્રમ ન્યાય તોળવા બેઠા. એણે કહ્યું : "બહેન, તું મારી દીકરી છો. ઘૂમટો કાઢી નાખ."