પૃષ્ઠ:Dadajini Vato.djvu/૫૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

ઘૂમટો ઊંચો કરતાં તો ઝળળળ ! તેજની કણીઓ છવાઈ ગઈ. રાજકુંવરીની આંખોમાંથી શ્રાવણ અને ભાદરવો મંડાણા. છાતીફાટ ધ્રુસ્કાં મેલીને અબળાએ વિલાપ આદર્યો. રોતાં રોતાં પોતાની આખી કથની કહી બતાવી.

વિક્રમે વીરાજીની સામે જોયું. વીરોજી અદબ વાળીને નીચે માથે ઊભા રહ્યા. એણે કહ્યું : "મહારાજ ! હું ઘોર અપરાધી છું. મને સજા કરો."

વિક્રમ રાજાએ બેય જણાંને પોતાનાં બેટાબેટી કરીને પરણાવ્યાં. અલાયદો મહેલ કાઢી દીધો.

[4]

અધરાત છે, પોષ મહિનાનો પવન સૂસવાટા મારે છે. વિક્રમ રાજા અને રાણી સૂતાં સૂતાં ટૌકા કરે છે. એ વખતે રાણીએ મેણું દીધું : "રાજા, માથું દેવા આવનાર બધા આવા જ હશે કે ?"

"કેમ રાણીજી ?"

"આજ અટાણે તમારું માથું લેવા માતાનો સાદ પડે તો ક્યાં તમારો વીરોજી આડો ફરવા આવવાનો હતો ? નવી અસ્ત્રીની સોડ્ય શે તજાય ?"

"બોલો મા, બોલો મા રાણી ! વીરાજીને માટે એવાં વેણ ન છાજે. બારીએ જઈને સાદ તો પાડો !"

રાણીએ બારીએ જઈને સાદ દીધો : "વીરાજીભાઈ !"

"હાજર છું, માતાજી !" ખોંખારો ખાઈને વીરાજીએ અંધારામાંથી જવાબ દીધો.

"ક્યારથી ચોકી કરો છો ?"

"માતાજી, ઉજેણીમાં આવ્યો ત્યારથી."

"ઘેરે નથી ગયા ?"

"કેમ જાઉં ?"

"કાં ?"

"રાજાને ઓચિંતાં તેડાં આવે તો શું કરું ?"

પલંગમાંથી ઊછળીને વિક્રમ પણ બહાર આવ્યા. "વાહ, વીરાજી ! રંગ છે રજપૂતની જનેતાને ! વીરાજી, ઘેર જાઓ."

"ના બાપુ, મારે માથું પછાડીને મરવું પડે. મુંગીપરનું બેસણું લાજે."

"જા ભાઈ ! વિક્રમના સોગંદ ! જોગમાયાની દુહાઈ ! એક રાત ઘેર રહી આવ."

વીરોજી ઘેર ગયો. પરણ્યા તે દિવસથી રજપૂતાણી રોજ રોજ રાતે વાટ જુએ છે. સવારોસવાર જગદમ્બાના જાપ જપે છે. આંખની પાંપણ પણ બીડતી નથી. આજે તો રજપૂત ઘેરે આવ્યો. રજપૂતાણીએ -