પૃષ્ઠ:Dadajini Vato.djvu/૫૬

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

બે મહિનાનું બાળક થયું ત્યાં તો વીશભુજાળી આવી પહોંચી.

"એ બાપ વીરાજી, તૈયાર છો ?"

"તૈયાર છું, માતાજી."

"પણ બાપ  ! વિક્રમના રક્ષણહારને મારતાં જીવ નથી ઊપડતો."

કોચવાઈને વીરોજી બોલ્યો : "માતાજી, તમે તો છોકરાંની રમત કરતાં લાગો છો."

"વીરાજી ! તારો છોકરો ય બત્રીસલક્ષણો છે. આપીશ ?"

"માડી, પૂછો જઈને નવ માસ ઉદરમાં વેઠનારીને. મારો અધિકાર નથી."

માતાજીએ અધરાતે વીરાજીના ઘરનાં કમાડ ખખડાવ્યાં. રજપૂતાણી શ્રીફળ લઈને દોડી. માતા પૂછે છે : "દીકરી, ચૂડલો વહાલો છે કે દીકરો ?"

"મા, વિક્રમને જોઈએ તો એકેય નહિ."

"તારો ચાંદલો ન ભૂંસું તો દીકરો ચડાવીશ ?"

"માડી, કરાર કરવાના નો‘ય, ફાવે તે ઉપાડી લેજો. મારે ક્યાં બે ભવ જીવવું છે ?"

"કાલ બેય જણાં દીકરો લઈને દેવળે આવજો."

બીજી રાતે બરાબર બે પહોર જવા દઈને પછી સ્ત્રી - પુરુષ દીકરાને તેડી હાલી નીકળ્યાં. સફરા નદીમાં જનેતાએ દીકરાને માથાબોળ ઝબકોળ્યો.

"હાં ! હાં ! હાં ! અસ્ત્રી ! આ શું ? જીવતો જીવ ઠરીને હીમ થઈ જાય એવી ટાઢમાં આ કેસુડાંના ફૂલને પાણીમાં બોળ્યું ?"

"સ્વામીનાથ ! બાળકનો દેહ ગંદો હોય તો પાતક લાગે."

મંદિરમાં માતાની ભેંકાર મૂર્તિ ઊભી હતી. ઝાક - ઝમાળ જ્યોતો બળી રહી છે. વીરાજીએ તરવાર ખેંચી. રજપૂતાણીએ બાળકને ઝાલી રાખ્યું. દેવળના ઝોકાર દીવા જોઈને અને બાપના હાથમાં ઝળહળતી તરવાર ભાળી કુંવર ખિલખિલાટ હસવા મંડ્યો. રમત રમવા માટે હાથપગ ઉછાળવા લાગ્યો.

વીરાજીએ તરવાર ઠણકાવી. બાળકનું ડોકું માતાના ચરણોમાં જઈ પડ્યું. ધડ જનેતાના હાથમાં રહી ગયું.

જનેતાથી આ દેખાવ ન જોવાયો. બાળક જાણે કે ધાવવા માટે બોલાવે છે. એણે ચીસ પાડી : "ઠાકોર, મને - મને -મને ય મારો. રાજાનાં આવખાં વધશે !"

"આ લે ત્યારે !" એમ કહીને વીરાજીએ તરવાર ઝીંકી. સ્ત્રીનું ડોકું રડી પડ્યું.

"રજપૂતાણી ! ધીરી ! હું યે આવું છું હો ! માતાજી ! રાજાને લાંબું આયખું દેજો. અમારા રામરામ કહેજો."

એમ કહીને પોતે પોતાની ડોકે તરવાર ઘસી. માથું જઈ પડ્યું સ્ત્રી-બાળકનાં માથાંની સાથે.