પૃષ્ઠ:Dadajini Vato.djvu/૫૭

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

"હે માણસ ભરખનારી ! હે ડાકણ ! ધિક્કાર છે તને." એવી ત્રાડ દેતો વિક્રમ રાજા વાંસેથી અંધારપછેડો ઓઢીને હાજર થયો.

"આ લે, આ લે આ ચોથો ભોગ !" એમ કહીને કટાર પોતાની છાતી ઉપર નોંધી ત્યાં તો -

"મા ! મા !" કરતો કોઈએ હાથ ઝાલ્યો.

"મૂકી દે ! મૂકી દે રાક્ષસણી ! એલી, મારાં ત્રણ માણસ મરાવીને હવે હાથ ઝાલવા આવી છો ? સવાર પડ્યે દુનિયાને હું મોઢું શું બતાવીશ ?"

સોળ વરસની સુંદરી બનીને દેવી પ્રગટ થયાં. પોતાની ચૂંદડીનો છેડો ઓઢાડીને ત્રણે મરેલાંને માથે હાથ ફેરવ્યો. ચાર પહોરની નીંદરમાંથી આળસ મરડીને જેમ બેઠાં થાય તેમ ત્રણે માનવી જાગી ઊઠ્યાં.

કે‘ "બાપ વિક્રમ ! માગ માગ !"

"હું શું માગું માડી ? માગે તો આ વીરોજી, જેણે ત્રણ ત્રણ ભોગ ચડાવ્યા."

"વીરાજી ! બાપ ! માગી લે."

વીરોજી બોલ્યો : "દેવી ! હું શું માગું ? મારે શી ખોટ છે ? મારે માથે વિક્રમનું છત્ર છે. તું જેવી વીશભુજાળી બેઠી છો. પણ જો આપતી હો તો એટલું જ આપજે કે જેમ મરતાં સુધી હું મારા ધણીનું રક્ષણ કરવા એની મોઢા આગળ ડગલાં માંડું છું. તેમ મર્યા પછીય એના નામની મોઢા આગળ મારું નામ પણ ચાકર બનીને ચાલ્યા કરે."

"તથાસ્તુ, દીકરા !"

ત્યારથી આજ દિવસ સુધી સુનિયા જ્યારે જ્યારે વિક્રમનું નામ લે છે ત્યારે -

વીર વિક્રમ

કહે છે : આગળ વીર (વીરોજી) ને પાછળ વિક્રમ !