પૃષ્ઠ:Dadajini Vato.djvu/૫૮

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

5.
ફૂલસોદાગર ને ફૂલવંતી


રિયાને કાંઠે મહા ગેંદલ શહેર છે. દેશપરદેશના વહાણવટી અવીને એના બારામાં મોટાં વહાણ નાંગરે છે.

શહેરમાં એક સોદાગર વસે. સોદાગર બાર બાર નૌકાઓ લઈને સાત સમુદ્રની સફરો ખેડે છે. કાશ્મીરની કસ્તુરી લાવે, અરબસ્તાનના ઊંટ-ઘોડાં લઈ આવે, કાબુલનો મેવો ઉતારે, સિંહલદ્વિપના હાથીદાંત, જાવાની મિસરી, અને સુમાત્રાના તેજાના ભરી ભરીને પોતાના ગામને કાંઠે ઠાલવે. લક્ષ્મીદેવીના ચારે હાથ એને માથે. એને ઘેર સંજવારીમાં સાચાં મોતી વળાય છે.

ઈશ્વરને ગમ્યું તે એક દિવસ સોદાગર મરી ગયો. ઘેર પચીસ વરસનો પરણેલો દીકરો, રૂપેરંગે રાજાના કુંવર સરખો, પણ મોજશોખમાં પડી ગયેલો. કામકાજ સૂઝે નહિ. બાગ બગીચામાં બેસીને સવારથી સાંજ સુધી બંસી બજાવ્યા કરે.

જોતજોતામાં લક્ષ્મીદેવીનાં કંકુવરણા પગલાં સોદાગરના ઘરમાંથી ભુંસાવા લાગ્યા. બાર બાર દેવતાઈ વહાણોએ માલિક વગરનાં મૂંઝાઈને સમુદ્રનાં પાણીમાં મોઢાં સંતાડ્યાં.

દીકરાને બાગબગીચામાં ગોતતી ફૂલસોદાગરની મા આથડે છે. આંસુડે પાલવ ભીંજવતી અને પુતરને માથે હાથ પંપાળતી પંપાળતી ફોસલાવે છે કે "બેટા, તું તો સોદાગરનો દીકરો, તારે તો મહાસાગર ખેડવા શોભે, બાપની લક્ષ્મી લાજે છે, બાપની આબરુ બોળાય છે."

સડાક થઈને ફૂલસોદાગર બેઠો થયો. બાપદાદા વખતના જીવણ ખારવાનું ઘર પૂછતો પૂછતો ખારવા-વાડ્યમાં આથડ્યો.

"જીવણ ડોસા! એ જીવણ ડોસા!"

"કેમ ભાઈ ફૂલસોદાગર!" જીવણ ખારવાએ બહાર આવીને અવાજ દીધો.

"બારેય વહાણ સાબદાં કરો. દરિયો ખેડવા જવું છે."

"ભાઈ, બાર વહાણો તો ભોંઠા પડીને દરિયામાં બૂડ્યાં છે. દરિયાપીરને ભોગ દેવો પડશે."

દરિયાને કાંઠે ધૂપદીપ પ્રગટાવ્યા, ચાર જોડ્ય શ્રીફળ વધેર્યાં. પાંચ પાલીનો ખીચડો