જાર્યો. ટચલી આંગળી કાપીને લોહીના છાંટા ચડાવ્યાં.
"લેજો હે દરિયાપીર, મારી આ માનતા. અને મારાં બાર વહાણને બહાર કાઢજો, બાપા !"
હુ ડુ ડુ ડુ ડુ કરતાં દરિયાંના મોઝાં ઊમટ્યાં. અનગળ પાણીમાં મોટો મારગ પડી ગયો. પાતાળમાં બેઠેલા બાર દેવતાઈ વહાણને ઉપાડીને દરિયાપીરે પાણીની સપાટીને માથે રમતાં મેલી દીધાં.
વહાણને રંગરોગાન કરી, તૂટેલાં તળિયાં સમારી, કોરા-ધોકાર સઢ ચડાવી, જાવા - સુમાત્રાની સફર માટે સાબદાં કરી દીધાં. ખલાસીઓના અવાજ સંભળાણાં કે 'શી...યો...રા... મ...!'
"હે મા! હે બહેન! હું જાઉં છું, બાર વરસે પાછો વળીશ. મારી વહુને જાળવજો હો!"
સૌથી છેલ્લો ફૂલસોદાગર વહુ પાસે વિદાય લેવા ગયો. વહુનું નામ છે ફૂલવંતી.
ફૂલવંતીના અંતરમાં આંસુડાંનાં સરોવર ભર્યાં હતાં, તેની પાળ્યો તૂટી પડી; આંસુડે એણે સ્વામીનાથના પગ પખાળ્યા. વાંભ વાંભ લાંબી વેણી વડે ભરથારની ભીની પાનીઓ લૂછી. પોતાની પાસે સફેદ શંખલાંની માળા હતી તે સ્વામીનાથને ગળે પરોવીને ધ્રુસકે ધ્રુસકે રોતી ફૂલવંતી બોલી : "હે સ્વામીનાથ! આંસુડે પલાળીને આ શંખલા ગૂંથ્યા છે. મુસાફરીમાં આ ગરીબ અબળાની આટલી એંધાણ જાળવી રાખજો."
"મારી વહાલી ફૂલવંતી! બાર વરસ સુધી મારા રામ રામ સમજવા, માડીનું મેણું ઉતારીને પાછો વળીશ; તું તારાં સતધરમ સાચવતી રહેજે, બારણાં બંધ કરી ધૂપ-દીવા બાળજે, જોગમાયાની માળા ફેરવજે; અને આ ખડગ સંકટ પડે ત્યારે કામ લાગશે."
એટલું કહી, શંખલાની માળા લઈ ફૂલસોદાગર ચાલી નીકળ્યો, વહાણમાં ચડી બેઠો, 'શી...યો...રા...મ...! હે... લીયા મા...લેક!' એવા અવાજ દઈ દઈને ખલાસીઓએ લંગર ઉપાડ્યાં. માથે વાવટા ફફડાવતાં ફફડાવતાં બારેય દેવતાઈ વહાણ મોજાંને ચીરતાં ચીરતાં ઊગમણી દિશાએ વહેતાં થયાં.
મીટ માંડીને ફૂલવંતી જોઈ રહી. આઘે આઘે બારેય વહાણના ધજાગરા પણ જ્યારે પાણી આડા ઢંકાઈ ગયા, ત્યારે ફૂલવંતી ઊંડો એક નિસાસો નાખીને પાછી વળી. કાંઠો ખાવા ધાતો હતો.
[૨]
બારેય વહાણ દરિયાની છાતીને માથે બતકો જેવાં રમતાં જાય છે. પવનના પુત્ર હનુમાનજતિની મેહર થઈ છે. એટલે ઊગમણી દિશાના વાયરા શઢમાં સમાતા નથી. એમ આજકાલ કરતાં તો છ મહિના વીતી ગયા. છઠ્ઠા મહિનાની છેલ્લી સાંજ પડી ત્યાં એક ટાપુ પાસે પહોંચ્યા. ઝ ળ ળ ળ ળ ળ! પૂનમનો ચંદ્રમા ઊગી રહ્યો છે. ટાપુમાંથી સુગંધી પવનની લહેરો વાય છે. પંખીના કિળેળટ થાય છે.