પૃષ્ઠ:Dadajini Vato.djvu/૬૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

"વહાણ નાંગરો!" ફૂલસોદાગરે હાકલ કરી.

ધબોધબ મીંદડીઓ નખાણી. શઢ સંકેલાણા, અને બારેય વહાણ બેટને કાંઠે ઝાડવાં સાથે ભીડી દીધાં.

અધરાત વીતી. ખારવા-ખલાસી ઊંઘમાં પડ્યા છે. એકલો ફૂલસોદાગર પોતાની ફૂલવંતીને સંભારતો સંભારતો પૂનમને અજવાળે જાગે છે. ત્યાં તો વડલાને માથે વાતો સંભળાણી :

'અરે હે હંસી રાણી!'

'શું કહો છો હંસા રાજા?'

'આ સોદાગર આપણો મહેમાન છે.'

'હા!'

'આજ બરાબર વૈશાખ પૂનમ : અમૃત ચોઘડિયું : અત્યારે જો સોદાગર એને ઘેર હોય તો એની અસ્ત્રીને પેટે રાજતેજનાં ઓધાન રહે.'

'હે સ્વામીનાથ એ શી રીતે બને? અહીંથી છ મહિનાનો પંથ!'

'હે અસ્ત્રી! વાત આકરી નથી. સોદાગર સમદરમાં સ્નાન કરી મારી પીઠ ઉપર અસવાર થઈ જાય, તો એક પહોરમાં એને ઘરે પહોંચાડું અને એક પહોરમાં પાછો આણું.'

સાંભળીને ફૂલસોદાગર સડક થઈ ગયો. 'નક્કી આ કોઈ દૈવ વાણી! જોઉં તો ખરો, પંખી સાચું ભાખે છે ખોટું?'

દરિયામાં સ્નાન કરીને ફૂલસોદાગરે સાદ દીધો: "હે દેવતાઈ પંખી! તમે જો સરસ્વતીનાં સાચાં વાહન હો તો બોલ્યું પાળજો!"

ફડ ફડ પાંખો ફફડાવીને હંસલો નીચે આવ્યો. સોદાગર અસવાર થયો. જાણે વિમાન ઊડ્યું. પહોર વીત્યે એના ઘરના આંગણામાં ઉતારી મેલ્યો અને કહ્યું : "ફૂલસોદાગર! વહેલો વળજે હો! ઊંઘ ન આવી જાય."

ઓરડાની સાંકળ ખખડાવીને સોદાગરે સાદ દીધો: "ઉઘાડો"

"કોણ બોલાવે છે? આજ મધરાતે કોનો વિધાતા વાંકો થયો? હું પતિવ્રતા અસ્ત્રી : મારા સ્વામી બાર વરસને દેશાટણ : ઘીના દીવા બાલીને હું જાપ જપતી જાગું છું, ભરથારે બારણાં ઉઘાડવાની ના પાડી છે. મારા હાથમાં ખડગ છે. ચેતજો! દેવ હો કે દાનવ હો! આબરૂ સોતા પાછા વળી જાજો."

"ઉઘાડો સતી, હું દેવ નહિ, હું દાનવ નહિ, હું તમારો પતિ. મને હંસલો લાવ્યો છે. વૈશાખી પૂનમનાં તમારે નસીબે રાજતેજનાં ઓધાન લખ્યાં છે. ઝટ ઉઘાડો. "

"નિશાની શી?"

"શંખલાંની માળા!"

કમાડ ઊઘડ્યાં. છ મહિનાથી વિખરાયેલી વેણી સતીએ સમારી, સેંથે હીંગળો પૂર્યો, આંખે કાજળ આંજ્યાં.

એક પહોર વીત્યો. હંસલે સાદ દીધો: ફૂલસોદાગર, ચંદ્રમાની કળા સંકેલાય છે.