પૃષ્ઠ:Dadajini Vato.djvu/૬૧

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

ચાલો! ચાલો!"

ફૂલસોદાગર ઊઠ્યો. ફૂલવંતી બોલી કે "હે સ્વામીનાથ! માને અને બહેનને મોઢું દેખાડતા જાજો હો! નીકર મારું મોત બગડશે."

સાંભલ્યું - ન સાંભળ્યું, સોદાગર તો હંસને માથે અસવાર થયો. ઘરરર! હંસલે ટાપુના મારગ સાંધ્યા. જાતાં જાતાં મારગે હંસલે કહ્યું : "હે ફૂલસોદાગર, તને એક વાત કહેતાં વીસરી ગયો છું. રાજતેજની જનેતાને માથે વસમાં વીતકો વીતશે હો! તું તો બાર વરસે પાછો વળીશ. અને આ શંખલાની માળા તું ક્યાંઈક હારી બેસીશ. એ માળામાં તારી ફૂલવંતીનો ઉગારો છે. માટે મને દેતો જા !"

"આહાહા! દેવપંખી! તારા ગણના તો માથે ડુંગરા ચડ્યા. માથું વાઢી દઉં, પણ મારી અસ્ત્રીની એકની એક એંધાણી કેમ આપું?'

હંસલો કાંઈ બોલ્યો નહિ. તરવાર જેવી એની પાંખોએ સામી દિશાના સૂસવાટાને વાઢતાં વાઢતાં મહેમાનને બેટના વડલા નીચે પહોંચાડી દીધો.

લંગર ઉપાડી, શઢ ચડાવી, 'શી...યો...રા...મ...'ના નાદ ગજાવી, ખલાસીઓએ વહાણ હંકારી મૂક્યાં.


[૩]

પ્રભાતનાં પંખી બોલ્યાં ને ફૂલસોદાગરને ઘેરે ફૂલસોદાગરની ખૂંધાળી બહેન જાગી. જુએ તો વાસીદું વાળેલું નહિ, વાસણ માંજેલા નહિ, અને પાણીના ગોળા ઠાલા ઠણકે છે.

"વા...હ! મોટી બાદશાજાદી હજુયે જાગી નથી કે!" એમ કહીને ખૂંધાળી નણંદ ભોજાઈના ઓરડાની તરડમાંથી જુએ છે. ઓરડામાં એણે શું જોયું?

હાય હાય! ઝુમ્મરમાં દીવા બળે છે. પલંગમાં ભોજાઈ પોઢેલી છે. એના વેશ-કેશ ચોળાણા છે. એની આંખનાં કાજળ રેળાણાં છે.

"અ ર ર ર! પાપણી! પતિવ્રતાના ઢોંગ કરનારી! નભાઈ કુળબોળામણ! મારો ભાઈ વિદેશ, ને તું વૈભવ કરછ?"

"માડી, એય અભાગણી, ઊઠ, આવીને તારી વહુના આચાર તો જો! અરે આડોશણ - પાડોશણ બેન્યું. આવો, આ આબરૂદારની દીકરીની દેદાર તો દેખો!"

આડોશણ - પાડોશણ એકઠી મળી. હોઠે આંગળી મેલી, નાકનાં નાખોરાં ફુલાવી, નિંદા કરવા મંડી.

"માડી રે! સાત પેઢી લજાવી! સહુનાં મોત કરાવ્યાં! અમને પાડોશીને કલંક ચડાવ્યાં!"

નણંદબાએ સાવરણી લીધી. ધડ! ધડ! ધડ! સૂતેલી ભોજાઈને ઝાપટવા મંડી. પછી લીધું ખાસડું.

સ્વામીનાથનાં સોણાંમાંથી સતી જાગી. જુએ ત્યાં સાવરણીની તડાપીટ : સાત સાત