ફૂલવંતી ઊઠી, કાયાને સંભાળવા માંડી, ઝાડવાંની છાલનાં લૂગડાં પહેર્યાં, મોવાલા મોકળા મેલીને જોગણ બની. પંખીડાં ચાંચમાં ઉપાડીને ફળફૂલ આણી આપે. તે આરોગીને સતી પેટ ભરે છે. હાથમાં વાંસડાની ડાંગ લઈને ફરે છે.
રાત પડી ને એકાએક વગડામાં અજવાળું થયું. કોઈનાં પગલાં સંભળાણાં.
"કોણ છે?" સિંહણ જેવી જોગણ ડણકી: "માનવ હો કે દેવ-દાનવ હો! ખબરદાર, ડગલું દીધું તો લોહી ચૂસી લઈશ."
ઝાડવાંની ઘટામાં એક માનવી છે. એક હાથમાં મશાલ, બીજા હાથમાં કુવાડો : કઠિયારો મધ પાડવા જાય છે.
"માતા! જોગમાયા! હું તો ગરીબ કઠિયારો છું." એમ કહીને થર થર કાંપતા કઠિયારા એ હાથ જોડ્યા.
"જે સતવાળી! જે ચોસઠ જોગણી માયાલી! આજ મારો અવતાર ફળ્યો. બોલ માતા, કહે તો પ્રાણ કાઢી આપું."
"ભાઈ, વીરા, હું દુખિયારી અસ્ત્રી છું. તારી આગળ એક ભિક્ષા માંગુ છે."
"માવડી, માનવીને વેશે તું ભિક્ષા લેવા આવી દેખાછ, માગ, તું કહે તે કરું."
"વીરા, એક મઢૂલી બનાવી દઈશ?"
જોતજોતામાં તો કઠિયારે ડાળ્ય-પાંદડાંની ઝૂંપડી ઊભી કરી. ફરીવાર આવીને કઠિયારે હાથ જોડ્યા.
"ભાઈ, પેટ શી રીતે ભરછ?"
"માડી, લાકડાના ભારા વેચીને."
ઊંચી નજર કરે ત્યાં જોગણ થંભી ગઈ, આહા!આ તો ચંદણનું ઝાડ.
એક ડાળી ભાંગીને જોગણે કહ્યું: "લે ભાઈ, આ ચંદણ કોઈ સાચા સોદાગરને જઈને વેચજે. લેનારની સાથે ભાવ- તાલ ઠેરવીશ મા. જે આપે તે લઈને મારી પાસે આવજે."
હાથમાં કુહાડો અને માથે ચંદનનું કાષ્ઠ. કઠિયારો છૂટ્યો. સોદાગરને ગોતતો ચાલ્યો. ગામેગામ પાટકે, પણ ચંદનનો મૂલવનારો સોદાગર ક્યાંથી ભેટે?
[૫]
સવાર થયું. બપોર ચડ્યા. આજ કઠિયારો ઘરે કાં ન આવે? રોટલા ઠરી ગયા. ખરા બપોરનાં ગધેડાં ભૂંકવા માંડ્યાં. કઠિયારણે ભાત શીંકે ચડાવ્યું. નીકળી ગોતવા. 'પીટ્યા કઠિયારા! એ રોયા કઠિયારા!' એવા સાદ પાડે, પણ હોંકારો કોણ આપે?
એકાએક ઝાડને છાંયડે ઝૂંપડી અને ઝૂંપડીને બારણે કોઈ જોગણ જોઈ. છાલના લૂગડાં : આંખો આંજે એવાં રૂપ : પૂરા મહિના જાતા હોય એવું ઓદર : જાણે ઈંડા મેલવાની તૈયારી કરતી ઢેલડી : વગડામાં જ્યોત છવાઈ ગઈ છે.
ઊભી ઊભી મારગને માથે મીટ માંડતી ફૂલવંતી બોલે છે કે "કઠિયારા, રે ભાઈ કઠિયારા! હવે પાછો વળ. ચંદણ વેચીને પાછો વળ, મારે વેળા થાય છે."