પૃષ્ઠ:Dadajini Vato.djvu/૬૪

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

'આ...હા!' કઠિયારણ સમજી ગઈ. પીટ્યે જંગલમાં બાયડી પરણીને નવાં ખોરડાં બાંધ્યા!

કઠિયારણને ભાળતાં જ ફૂલવંતી ઝૂંપડીમાં પેસી ગઈ. માંહેથી બારણું વાસ્યું.

"ઉઘાડ્ય! ઉઘાડ્ય! બહેન! કઠિયારો આવ્યો!"

ઉઘાડે ત્યાં તો ડાકણ જેવું રૂપ દેખી ફૂલવંતી ઢળી પડી. એને સુવાવડની વેણ્ય આવવા માંડી.

"નભાઈ શોક્ય! દીકરી આવે તો દૂધ પીતી કરું ને દીકરો આવે તો ઉઝેરી મોટો કરું, ઊભી રે'જે."

ઝાડ ઉપરથી લક્કડખોદ બોલ્યો: 'કઠિયારણ, નગરીમાં જા ને સુયાણીને લઈ આવ!'

કઠિયારણ ઉપડી, નગરીના રાજાની રાણી પૂરા મહિના જાય. નોબત-નગારાં વાગે, જોષીડા જોષ જોવે, અને ભુવા દાણા જોવે. પણ બાળક અવતરતું નથી. બરાબર દરબાર ગઢની દેવડીએ ગાંગલી ઘાંચણ સામી મળી.

અઢીક હાથનું કાઠું : પાકલ જાંબુડા સરખો વાન : માંજરી આંખો : ઓડ્યથી ઊંચા બાબરકાં :ચાર - ચાર તસુ પગની નળીઓ : ચોથિયા વા પગ: પીંજારાના ઘરનો જાણે ગોળીટો! ખભે સાડલો : મંતરતંતર જાણે : આભામંડળનાં ચાંદરડાં હેઠાં રમાડે એવી : એવી ગાંગલી ઘાંચણ.

"ગાંગલી માશી! એ ગાંગલી માશી! એક વાત કહું, " માશીએ કઠિયારણની વાત સાંભળી. બેય વગડામાં પહોંચ્યાં.

ઝૂંપડી આગળ જાય ત્યાં તો પંખી! પંખી! પંખી! પંખેરું ક્યાંય માય નહિ. પોપટા, મેના ને પારેવાં, મોર, સૂડા ને બપૈયા જાણે ધોળ-મંગળ ગાય છે. હરણિયાં મોંમાંથી તરણાં છોડીને થોકે થોકે ઝૂંપડીએ ઊભાં છે.

બરાબર અધરાત છે. ઝૂંપડીમાંથી ઝળળળ અજવાળાં છૂટે છે. પશુપંખી જોવા મળ્યાં છે.

બેય ડાકણો અંદર જઈ જુએ છે ત્યાં માતાના થાનેલા ચસકાવતો દેવના ચક્કર જેવો બેટડો રમે છે. લલાટમાં રાજતેજ ઝગારા કરે છે.

અ....છી! છોકરાએ છીંક ખાધી. ત્યાંતો નાકમાંથી સાચાં મોતી ઝર્યા. બગાસું ખાધું ત્યાં હીરા ઝર્યા.

"અ હા હા હા! ગાંગલી માશી, કામ પાક્યું, છોકરાને ચોરી જાયીં"

પણ માની છાતીએથી ઝૂંટતાં જીવ કેમ કરીને હાલે! રસ્તે થઈને ચૌદ ચોર નીકળ્યા. ચોરોએ સાંકળ ખખડાવી.

"કોણ તમે?"

"માશી, ઈ તો અમે!"

"ઓહો, ભાણેજડાઓ! અંદર આવો. "

અંદર જઈને ચોર જુએ ત્યાં તો મૂર્છામાં પડેલી ગરીબડી માતા અને પડખામાં