પૃષ્ઠ:Dadajini Vato.djvu/૬૫

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

પોઢેલો કુંવર. એની આંખડીમાં કાંઈ સ્વપ્નાં હસે છે! કાંઈ કિરણો રમે છે!

"ભાણિયાઓ! આ છોકરાને ઉપાડી લ્યો!"

'અરરર માશી! માને થાનલેથી છોકરું વછોડાય? તો તો ઘરની માતા અમારા પાપનો ભાર શે ખેમશે?"

ચોરનો જીવ નથી ચાલતો. એકબીજાને ધકેલતા આઘા ભાગે છે. એ જોઈને ગાંગલી માશી દોડી.

"ઊભા રો' મારા પીટ્યો! તમને મેલડી ભરખે! ઉપાડો છો કે ચૌદેયને કાગડા કરી મૂકું?"

ચોર બિચારા શું કરે? ગાંગલી માશી ડાકણ હતી, આંખે પાટા બાંધીને ચોરોએ માની ગોદમાં ઊંઘતા છોકરાને ઉપાડ્યો. ચૌદ ચોર, ગાંગલી માશી અને કઠિયારણ ભાગ્યાં.

વગડામાં પ્રગટેલો દીવો ઓલવાઈ ગયો. પશુ-પંખી પોકાર પાડવા માંડ્યા. ઝાડ માથેથી પાંદડા ઝરી પડ્યાં.

[૬]

સુવાવડી ફૂલવંતીને શુદ્ધબુદ્ધ આવી. પેટમાં આગના ભડકા બળે છે. ઊઠીને મા પોતાના પડખામાં જુએ તો, હાય હાય, દીકરો ક્યાં?

દીકરા વિના માતા આંધળી બની, સાન ભૂલી, બહાવરી થઈને ભાગી. ઝાડવે ઝાડવે ગોતતી ભાગી. વગડો ગજાવી મેલ્યો. પશુ-પંખી સમજ્યાં કે અગ્નિની જીવતી ઝાળ દોડી જાય છે. વિલાપ કરતી જાય છે કે -

કિયે જનમારે મોરી માવડી
મેં તો કિધાં આવડાં પાપ જો,
ધાવંતાં વાળ્યા નાનાં વાછરું
લાગ્યા ગાયુંના નિશ્વાસ જો.
માતાના થાનેલેથી કયે ભવે
કેના ઝંટાવ્યાં મેં બાળ જો,
કાચાં રે ફળ હશે તોડિયાં
રોતાં મેલ્યાં ઝીણાં ઝાડ જો,
કાં તો બની રે કાળી નાગણી
ખાધાં પંખીડાંનાં બાળ જો,
આજે એ પાતક મુજને લાગિયાં
મારું ચોરાણું રતન જો!

ચોધાર રોતી ફૂલવંતી છૂટી. દોડી, દોડી, દોડી; પહાડ, ખીણ, કોતર, જોતી ગઈ, દરિયાને કાંઠે જાતી થંભી. ઊંચે આભ, નીચે પાણી, ચોગમ પવન! બીજું કોઈ ન મળે. દોડીને પાણીમાં ધૂબકો માર્યો. ઘડીવારમાં તો એને માથે મોજાં ફરી વળ્યાં.