સપાટી માથે લાંબી લાંબી ડોક કાઢીને હોંશે હોંશે હંસીએ સાદ દીધો: 'હંસારાજા! ઓ હંસારાજા!'
આભમાંથી ઊતરીને હંસે હંસીની ચાંચમાં ચાંચ પરોવી. બેય પંખી તળિયે ઊતર્યાં. ત્યાં તો બચ્ચાંને બચી કરતાં કરતાં હંસલે શંખલાની માળા દેખી. 'આહા ! હંસીરાણી' આ તો ફૂલસોદાગરની માળા! હાય હાય! સોદાગરે માળા ગુમાવી હશે, સતીને ય વિસારી હશે.'
માળા લઈને હંસ-હંસી બચ્ચાં સોતા ઊડ્યાં. રાજા રાજતેજની રાજનગરીને સીમાડે નદીને કાંઠે વડલો હતો, તેને માથે માળો બાંધ્યો.
એક દિવસ હંસ સમુદ્રમાં ગયો છે. હંસી ચારો લેવા ગઈ છે. એવે વાંસેથી બચ્ચાં વઢ્યાં. માળાનાં તરણાં વીંખાણાં અને શંખલાની માળા નીચે સરી પડી.
ધનુષધારી રાજા રાજતેજ ઘોડે ચડીને શિકારે નીકળ્યો છે. ત્યાં વડલાની નીચે એણે માળા દેખી. આહાહાહા! આ તો શંખની માળા! કોટે પહેરીને કુંવર પાછો ગયો. માળા પહેરતાં જ કુંવરની છાતી ઠરીને હિમ કાં થઈ ગઈ?
[૯]
માથે ચંદણની ડાળ મેલીને કઠિયારો આથડે છે. પણ એવો કોઈ સોદાગર ન મળે કે જે ચંદણના મૂલ મૂલવે. ભમતાં, ભમતાં, બાર વરસે એક બંદર ઉપર બાર વહાણ ઠલવાતાં ભાળ્યાં, સોનેરી લૂગડે સોદાગર ભાળ્યો. સોદાગર પૂછે છે કે "શું છે ભાઈ?"
"જોગમાયાએ વાઢી દીધેલી ચંદણની ડાળ છે. શેઠિયા, મત્યા હોય તો મૂલવજો."
સોદાગર નજર કરે ત્યાં ચંદણ ઉપર 'ફૂલ' ચીતરેલું.
"આહાહા! મારી ફૂલવંતી કાં સાંભરે? અચાનક?"
ચંદણને હૈયે ચાંપ્યું ત્યાં તો છાતીમાં ધબકારા બોલ્યા, "રે ભાઈ! શું આપું? હીરા? માણેક? મોતી? બોલ, તું માગ એ આપું."
"ના શેઠ, એનાં મૂલ હું શું જાણું? મારી માતાજીએ કીધેલું છે કે જે આપે તે લઈ લેજે."
"કોણ તારી માતા?"
"જટાવાળી જોગણ: ફૂલસોઇદાગરના જાપ જપે છે. રણ્વવગડે રોઈ રોઈને પશુ પંખીને રોવરાવે છે. એને પેટે પૂરા દી જાય છે."
સોદાગરને ડીલે પરસેવો વળી ગયો. માથું ભમવા માંડ્યું. એણે પૂછ્યું : "ભાઈ કઠિયારા એનો ભેટો કરાવીશ?"
"હા, હાલો!"
બારે વહાણ વહેતાં થયાં. કઠિયારો માર્ગ દેખાડે છે.
રાજનગરીની નદીના આરા માથે ટણણં! ટણણં! ડંકા વાગ્યા, બારેય વહાણનાં લંગર પડ્યાં. મોખરે સોનેરી લૂગડે સોદાગર બેઠો છે.