રાજતેજની ટચલી આંગલી જ અડી, ત્યાં શિલા ફૂલની માફક ઊઘડી : હેઠળ જુએ ત્યાં જનેતા સૂતેલી. માના થાનેલામાંથી ધાર છૂટી.
'મા! મા! મા!' કહેતો કુંવર માતાને બાઝી પડ્યો. પોતાને ખભે બેસાડીને દરબારમાં તેડી ગયો. દોડ્યો પોતાની કઠિયારણ માની પાસે.
"માડી બોલો! મારી સાચી મા કોણ?"
"અરરર! બેટા આવું કેમ પૂછ છ? કોણ ડાકણની તારે માથે નજર પડી?"
"પ્રધાનના કુંવર બધસાગરા! પારખું કેવી રીતે કરું? બેમાંથી કઈ માતા સાચી?"
"પારખું છે, બેય માતાને દરબારમાં ઊભી રાખો. જેના થાનેલામાંથી ધાવણ છૂટીને તમારા મોંમાં પડે તે જ સાચી જનેતા : બીજી ધુતારી."
"ગાંગલી માશી! એ ગાંગલી માશી! ઝટ મને તેજાના ખવરાવો, મસાલ ખવરાવો, બાર જાતના ઓસડિયાં ખવરાવો. ઝટ મારે થાનેલામાં દૂધ જોવે. નીકર આપણને બેયને ઘાણીએ ઘાલીને તેલ કાઢશે."
ધુતારણે તો બાર જાતના ઓસડિયાં અને તેર જાતનાં મસાલા ખાધા. ધોળી મૂસળી ખાધી ને કાળી મૂસળી ખાધી. કેસરિયાં દૂધનાં કડાં પીધાં. અને આખી રાત જાગીને જોયા કરે કે ધાવણની ધાર છૂટે! પણ થાનેલામાં ટીપું દૂધ આવતું નથી.
બીજે દી પ્રભાતને પો'ર દરબારમાં માનવી માતાં નથી. પંખીડાં ય પાંખો બીડીને બેઠાં છે. ઝાડવાં ઉપર પાંદડાં ય હલતાં નથી. પવન પણ થંભ્યો છે. રાજા રાજતેજ સિંહાસન પર બેઠો છે. થોડાં પાણીમાં માછલું તરફડે એમ એનો માવડી વિનાનો જીવડો ફફડે છે.
કઠિયારણ રાણી આવી. લુગડાંના ઠાઠમાઠ ને ઘરેણાંના ઠઠેરા કરીને આવી. પણ તો યે એ તો કઠિયારણ, કૂડનાં તો હૈયાં જ કાચાં! એની કાયા થરથર કંપે છે.
અને ફૂલવંતી! નહિ માથે ઓઢણું, કે નહિ કાનમાં વાલની વાળી. તો યે એની કાયા કિરણો કાઢે છે, પાંપણે પલકારો યે નથી. બીજા કોઈને એ ભાળતી યે નથી. આંખના તારલા એક દીકરા ઉપર જ નોંધાણા છે. નીરખી નીરખીને ડાબી જમણીમાંથી હેતનાં આંસુનાં શ્રાવણ-ભાદરવો હાલ્યા જાય છે.
આગળ આવીને વજીરનો પુતર બોલ્યો: "રાણી- માતા સાંભળો, અજાણી મા, તમે ય સાંભળો. આજ રાજા રાજતેજને માથે બબ્બે જનેતાઓની વિકટ સમસ્યાઓ ઊભી છે. પણ આ નવખંડ ધરતી ને માથે સૂરજ એક છે, ચંદરમા એક છે, તો જનેતા બે કેમ હોય? માટે દેવધરમની સાખે, પશુપંખીની સાખે, આ પંચ-પરમેશ્વરની સાખે પારખું આપો : જે સાચી જનેતા હશે તેના ધાવણની ધાર રાજાનાં મોમાં જઈ પડશે."
કચેરી સડક! વાયરા થંભ્યા! સોય પડે તોય રણકારો સંભળાય એવી શાંતિ!
"રાણીમાતા આવો, પહેલાં તમે પારખું આપો!"
કઠિયારણ તો ધણી વાર સુધી ઊભી થઈ રહી. પણ ધાવણ શેનાં ફૂટે!