પૃષ્ઠ:Dadajini Vato.djvu/૭૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

"રાણીમાતા, બસ કરો!" વજીરના પુતરે હાકલ મારી.

કઠિયારણ તો કા...ળી...મશ!

પછી આવી ફૂલવંતી. કાયામાં ટીપું લોહી નથી. હૈયામાં છાંટો હરખ નથી. પણ સિંહાસને બેઠેલા બેટડાની સામે છાતી ખોલીને જ્યાં ઊભી રહી ત્યા તો? -

અહાહાહા! ચોધાર - અરે ચાલીશધારા - ફુવારા છૂટ્યા. સિંહાસને બેઠેલા રાજાની માળા ભિંજાણી, રાજાનું મોઢું ભરાણું.

'જે થાવ! સતીની જે થાવ! કૂડનમાં ધૂળ થાવ!' - એવા જેજે કાર ગાજ્યા. પણ કઠિયારણ તો કાળી નાગણી. એને ઝેરનું છેલ્લું ટીપુંય નીચોવી નાખ્યું. એ બોલી "મારા પીટ્યાઓ! ઈ સતધરમની પૂંછડીને એટલું તો પૂછી જુઓ, કે એના બેટડાનો બાપ કોણ? રાજાને કે'દી ઈ રાંડે મેમાન કર્યો'તો?

સાંભળીને સભા સૂનમૂન! સૌનાં માથાં ધરતી સામાં ઢળ્યાં. સહુને મોઢે મશ વળી. ફૂલવંતી માથે જાણે શિલા પડી. પાષાણની જાણે પૂતલી! પણ એ શું બોલે? શી રીતે સમજાવે? રાજતેજના ઓધાનની વાત બહાર પાડવાની સ્વામીનાથ ના પાડી ગયા છે! ફૂલવંતી બેશુદ્ધ બનીને ઢળી પડી.

બરોબર એ જ ટાણે, સાત સાત સમુદ્ર વીંધીને ફૂલસોદાગરના ઉપકારી હંસરાજાએ પાંખો ફફડાવી. પલકવારમાં એના કિલકિલાટ નગરીના આભમાં ગાજ્યા. ફૂલવંતીના શિયળની સાખ દેનારો પંખીડો આવી પહોંચ્યો. કચેરીનાં નેવાંને માથે બેસીને હંસલે માનવીની ભાષામાં ગીત ઉપાડ્યું -

ફૂલસોદાગરની અસતરી ને[૧]
એના ફૂલવંતી નામ જો,
વાલ્યમ જાય વિદેશમાં
પાળે ધરતીવંતા નીમ જો.

એંધાણી દીધી સતીએ સ્વામીને
બોલ્યાં હંસી ને કૈં હંસ જો,
આજ પૂનમ કેરી રાતડી ને
ઘેરે હોય સતીના કંથ જો,
ઓધાન રે'શે રાજતેજનાં
મોઢે મોતીડાં વેરાય જો.
સ્વામીને તેડી હંસો ઊડિયો
આવ્યા સતીને દુવાર જો,
માઝમ રાતનાં મનડાં મલિયાં ને
રોપ્યાં રાજેસરનાં બીજ જો.

ચોથે તે પોર સ્વામી ચાલિયા ને
ભૂલ્યા અસતરીનાં વેણ જો,
ભૂલ્યા માતાને મોં દેખાડવા ને
ચડિયાં સતીને કલંક જો.

  1. આ ગીત નવું રચીને મૂકેલ છે. - લેખક