પૃષ્ઠ:Dakshin Afrika.pdf/૧૦૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

એશિયાટિક અૉફિસના સડાનો દિવસે દિવસે કડવો અનુભવ હું લઈ રહ્યો હતો, અને ત્યાંના હિંદી મંડળનું બધું જોર એ સડો દૂર કરવામાં જ વપરાતું હતું. ૧૮૮૫નો કાયદો રદ કરાવવો એ તો દૂરનું ધ્યેય થઈ પડયું. તાત્કાલિક કામ એશિયાટિક અૉફિસરૂપી ધસી આવતા પૂરમાંથી બચી જવાનું હતું. લૉર્ડ મિલ્નરની પાસે, લોર્ડ સેલબૉર્ન જે ત્યાં આવ્યા હતા તેમની પાસે, સર આર્થર લૉલી જે ટ્રાન્સવાલમાં લેફ્ટનન્ટ ગવર્નર હતા અને જે પાછળથી મદ્રાસમાં ગવર્નર થયેલા તેમની પાસે, અને તેથી ઊતરતી પંક્તિના અમલદારો પાસે ડેપ્યુટેશન ગયાં અને તેમને મળ્યાં. હું એકલો ઘણી વાર મળતો. કંઈક કંઈક રાહત મળતી, પણ એ બધાં થીંગડાં હતાં. લૂંટારા આપણું બધું ધન હરી જાય અને પછી આપણે કરગરીએ ત્યારે અને તેથી કંઈક તેમાંનું આપણને પાછું આપે અને આપણે સંતોષ માની શકીએ તેવા પ્રકારનો સંતોપ કંઈક કંઈક મળતો. અા લડતને અંગે જ જે અમલદારો બરતરફ થયાનું ઉપર લખી ગયો છું તેઓની ઉપર કામ ચાલેલું. જે ભય હિંદીઓના પ્રવેશને વિશે મને થયેલો મેં પાછળ જણાવ્યો તે ખરો નીવડયો. ગોરાઓને પરવાના લેવાનું ન રહ્યું, પણ હિંદીઓની ઉપર તો પરવાના કાયમ જ રહ્યા. ટ્રાન્સવાલની માજી સરકારે જેવો કાયદો સખત કર્યો તેવો સખત તેનો અમલ નહોતો. એ કાંઈ તેની ઉદારતા કે ભલમનસાઈને લીધે ન હતું, પણ અમલી ખાતું બેદરકાર હતું. અને તે ખાતાના અમલદારો સારા હોય તો ભલમનસાઈ વાપરવાનો જેટલો તેમને માજી સરકાર નીચે અવકાશ હતો તેટલો અવકાશ બ્રિટિશ સરકાર નીચે નથી હોતો. બ્રિટિશ તંત્ર પુરાણું હોવાથી દૃઢ થઈ ગયું છે, ગોઠવાઈ ગયું છે, અને અમલદારોને યંત્રની માફક કામ કરવું પડે છે, કેમ કે તેઓની ઉપર એક પછી એક ચડતા ઊતરતા અંકુશો રહેલા હોય છે. તેથી બ્રિટિશ બંધારણમાં જે રાજ્યપદ્ધતિ ઉદાર હોય તો પ્રજાને ઉદાર પદ્ધતિનો વધારેમાં વધારે લાભ મળી શકે છે, અને જો એ પદ્ધતિ જુલમી અથવા કંજૂસ હોય તો આ નિયંત્રિત સત્તા નીચે તેનું દબાણ પણ પૂરેપૂરું અનુભવમાં આવે છે. એથી ઊલટી સ્થિતિ ટ્રાન્સવાલની માજી સત્તા જેવા તંત્રમાં હોય છે. ઉદાર કાયદાનો લાભ મળવો