પૃષ્ઠ:Dakshin Afrika.pdf/૧૦૭

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે


તો જુદા જુદા અભિપ્રાય આપે. પણ દલીલ ખાતર માની લઈએ કે હિંદમાં મતાધિકાર તે વખતે એટલે ૧૮૯૪માં ન હતો અથવા આજ પણ નથી, છતાં નાતાલમાં મતાધિકારીનાં નામ રજિસ્ટર કરનારો અમલદાર હિંદીઓનાં નામ દાખલ કરે તો તેણે કંઈ ગેરકાયદે કામ કર્યું એમ કોઈ એકાએક ન કહી શકે. સામાન્ય અનુમાન હમેશાં પ્રજાના હકની તરફ કરવાનું હોય છે. તેથી જ્યાં સુધી તે વખતની સરકાર વિરોધ કરવા ન ઈચ્છે ત્યાં સુધી તે, ઉપરનો કાયદો હસ્તી ધરાવતો હોય છતાં, હિંદી વગેરેનાં નામ મતાધિકાર પત્રકની અંદર નોંધી શકે. એટલે ધારો કે કાળે કરીને નાતાલમાં હિંદી તરફનો અણગમો મોળો પડે તો, અને સરકારને હિંદીઓનો વિરોધ ન કરવો હોય તો, કાયદામાં કંઈ પણ ફેરફાર કર્યા વિના હિંદીઓને મતપત્રકમાં દાખલ કરી શકે. આ ખૂબી સાર્વજનિક કાયદામાં રહેલી છે. એવા બીજા દાખલાઓ દક્ષિણ આફ્રિકાના જે કાયદાઓ હું અાગલાં પ્રકરણોમાં ગણાવી ગયો છું તેમાંથી ઘટાવી શકાય છે. એથી ડાહી રાજનીતિ એ જ ગણાય છે કે એકદેશી કાયદા ઓછામાં ઓછા કરવા, – ન જ કરવા એ તો સર્વોત્કૃષ્ટ. એક વખત અમુક કાયદો પસાર થઈ ગયો પછી તેને બદલવામાં અનેક મુસીબતો આવી પડે. પ્રજામત ઘણો કેળવાય ત્યારે જ થયેલા કાયદા રદ થઈ શકે છે. જે પ્રજાતંત્રમાં હમેશાં કાયદાની અદબદલી થયા જ કરે છે તે પ્રજાને સુવ્યવસ્થિત ન ગણી શકાય.

હવે આપણે ટ્રાન્સવાલમાં થયેલા એશિયાટિક કાયદામાં રહેલા ઝેરનું માપ વધારે સારી રીતે કાઢી શકીએ છીએ. એ કાયદા તો બધા એકદેશી છે. એશિયાટિક મત ન આપી શકે, સરકારે નીમેલા લત્તાની બહાર જમીનની માલિકી ન ભોગવી શકે. એ કાયદા રદ થયા વિના અમલદારવર્ગ તો હિંદીઓને મદદ ન જ કરી શકે. એ કાયદા સાર્વજનિક ન હતા તેથી જ લૉર્ડ મિલ્નરની કમિટી તેમને નોખા તારવી શકે. પણ જે તે સાર્વજનિક હોત તો બીજા કાયદાઓની સાથે એશિયાટિકના નામ વિનાના પણ તેની ઉપર અમલ થતા કાયદાઓ નાબૂદ થઈ ગયા હોત. અમલદારવર્ગ એમ તો કદી ન કહી શકત કે 'અમે શું કરી શકીએ ? લાચાર છીએ. આ કાયદાઓ