પૃષ્ઠ:Dakshin Afrika.pdf/૧૦૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

નવી ધારાસભા રદ ન કરે ત્યાં સુધી અમારે તો અમલમાં મૂક્યે જ છૂટકો છે.'

જ્યારે એશિયાટિક ઓફિસને હસ્તક અા કાયદાઓ ગયા ત્યારે એશિયાટિક ખાતાએ તેમનો પૂરો અમલ શરૂ કર્યો, એટલું જ નહીં પણ જે તે કાયદા અમલ કરવા લાયક છે એમ કારભારી મંડળી ગણે તો તેઓમાં રહેલી અથવા રહી ગયેલી બારીઓ બંધ કરવાની વધારે સત્તા કારભારી મંડળે લેવી જોઈએ. દલીલ તો સીધી અને સાદી જણાય એમ છે. કાં તો એ કાયદા ખરાબ છે એટલે રદ કરવા, અને જો યોગ્ય હોય તો તેમાં કંઈ દોષ રહી ગયા હોય તે દૂર કરવા જોઈએ. કાયદાનો અમલ કરવાની નીતિ કારભારી મંડળે અખત્યાર કરી લીધી હતી. હિંદી પ્રજાએ બોઅર લડાઈમાં અંગ્રેજની સાથે ઊભીને જાનનું જોખમ વહોર્યું હતું એ તો ત્રણચાર વરસ જૂની વાત થઈ. હિંદી પ્રજાને સારુ ટ્રાન્સવાલમાં બ્રિટિશ એલચીએ લડત લીધી હતી એ જૂના રાજતંત્રની વાત. લડાઈ થવાનાં કારણોમાં હિંદીઓનાં દુ:ખ એ પણ કારણ હતું, એ દીર્ઘદષ્ટિ વાપર્યા વિના, સ્થાનિક અનુભવ વિનાના અધિકારી લોકોએ કરેલી વાત હતી. સ્થાનિક અનુભવે તો સ્થાનિક અમલદારોને ચોખ્ખું બતાવી દીધું કે બોઅર રાજ્યસમયમાં જે કાયદા હિંદીઓ સામે ઘડાયા હતા તે પૂરતા અથવા પદ્ધતિસર ન હતા. હિંદીઓ ફાવે તેમ ટ્રાન્સવાલમાં દાખલ થાય અને ફાવે તેમ, ફાવે ત્યાં વેપાર કરે તો અંગ્રેજ વેપારીને બહુ નુકસાન થાય. આ બધી અને આવી બીજી દલીલોએ ગોરાઓ અને તેમના પ્રતિનિધિ રાજ્યાધિકારી મંડળની ઉપર ભારે કાબૂ મેળવ્યો. તેઓ બધા બની શકે એટલા ઓછા સમયમાં બની શકે તેટલું ધન એકઠું કરવા ઈચ્છતા હતા. તેમાં હિંદીઓ જરાયે ભાગ લે એ તેમને કયાંથી જ ગમે ? તેની સાથે તત્ત્વજ્ઞાનનો આડંબર પણ ભળ્યો, દક્ષિણ આફ્રિકાના બુદ્ધિમાન માણસોને કેવળ વેપારીશાઈ સ્વાર્થી દલીલ સંતોષે નહીં. અન્યાય કરવાને સારુ પણ બુદ્ધિ હમેશાં બુદ્ધિને યોગ્ય લાગે એવી દલીલ શોધે છે. એવું જ દક્ષિણ આફ્રિકાની બુદ્ધિનું પણ થયું. જનરલ સ્મટ્સ વગેરેએ જે દલીલ કરી તે નીચે પ્રમાણે હતી :