લખાણ પર જાઓ

પૃષ્ઠ:Dakshin Afrika.pdf/૧૦૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

'દક્ષિણ આફ્રિકા પશ્ચિમના સુધારાનું પ્રતિનિધિ છે. હિંદુસ્તાન પૂર્વના સુધારાનું કેન્દ્રસ્થાન છે. બંને સુધારાનું સંમેલન થઈ શકે એવું આ જમાનાના તત્ત્વજ્ઞાનીઓ તો કબૂલ નથી કરતા. એટલે થોડાઘણા પણ સમુદાયમાં એ બે સુધારાની પ્રજાનો સંગમ થાય તો તેનું પરિણામ ભડકો જ થાય. પશ્ચિમ સાદાઈનું વિરોધી છે. પૂર્વના લોકો સાદાઈને પ્રધાનપદ આપે છે. આ બેના મેળ કેમ મળી શકે ? આ બેમાં કઈ સભ્યતા વધારે સારી છે એ જોવાનું રાજદ્વારી એટલે વ્યવહારી પુરુષનું કામ નથી. પશ્ચિમનો સુધારો સારો હોય યા ખરાબ, પણ પશ્ચિમની પ્રજા તેને જ વળગી રહેવા માગે છે. તે સુધારાને બચાવવાને સારુ પશ્ચિમની પ્રજાઓએ અથાગ પ્રયત્નો કર્યા છે, લોહીના ધોધ ચલાવ્યા છે, અનેક પ્રકારનાં બીજાં દુ:ખો સહન કર્યા છે. એટલે પશ્ચિમની પ્રજાઓને અત્યારે બીજો રસ્તો સૂઝે એમ નથી. એ વિચાર પ્રમાણે જોતાં હિંદી-ગોરાનો સવાલ નથી વેપાર-દ્વેષનો કે નથી વર્ણદ્વૈષનો; કેવળ પોતાની સભ્યતાનું રક્ષણ કરવાનો એટલે ઊંચામાં ઊંચા પ્રકારનો સ્વરક્ષાનો હક ભોગવવાનો અને તેને અંગે રહેલી ફરજ બજાવવાનો જ સવાલ છે. હિંદીઓના દોષ કાઢવામાં આવે છે એ લોકોને ઉશ્કેરવાને સારુ ભલે ભાષણકર્તાઓને રુચતું હોય, પણ રાજ્ય-નૈતિક દૃષ્ટિથી વિચારનાર તો એમ જ માને છે અને કહે છે કે હિંદીઓના ગુણ એ જ દક્ષિણ આફ્રિકામાં તેમના દીપરૂપે ગણવામાં આવે છે. હિંદીઓની સાદાઈ, હિંદીઓની લાંબા વખત સુધી મહેનત કરવાની ધીરજ, તેમની કરકસર, તેમની પરલોકપરાયણતા, તેમની સહનશીલતા ઈત્યાદિ ગુણોથી જ તેઓ દક્ષિણ આફ્રિકામાં અળખામણા થઈ પડયા છે. પશ્ચિમની પ્રજા સાહસિક, અધીરી, દુન્યવી હાજતો વધારવામાં અને તેમને મેળવવામાં મગન, ખાવાપીવામાં શોખીન, અંગમહેનત બચાવવાને આતુર અને ઉડાઉ પ્રકૃતિની છે. તેથી તેને ભય રહે કે જો પૂર્વની સભ્યતાના હજારો પ્રતિનિધિ દક્ષિણ આફ્રિકામાં વસે તો પશ્ચિમના લોકોએ પાછા પડવું જ જોઈએ. આપઘાત કરવા દક્ષિણ આફ્રિકામાં વસતી પશ્ચિમની પ્રજા તૈયાર ન જ થાય. અને એ પ્રજાના હિમાયતી એવા જોખમમાં એ પ્રજાને કદી પડવા ન દે.'