પૃષ્ઠ:Dakshin Afrika.pdf/૧૧૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

મને લાગે છે કે આ દલીલ સારામાં સારા અને ચારિત્રવાન ગોરાઓએ જેવી કરી છે તેવી જ મેં અહીંયાં નિષ્પક્ષપાતે મૂકી છે. એ દલીલને તત્ત્વજ્ઞાનના આડંબરરૂપે હું ઉપર ઓળખાવી ગયો; પણ તેથી હું એમ સૂચવવા નથી ઈચ્છતો કે એ દલીલમાં કંઈ વજૂદ નથી. વ્યાવહારિક દૃષ્ટિએ તો, એટલે કે તાત્કાલિક સ્વાર્થદષ્ટિએ તો તેમાં પુષ્કળ વજૂદ છે. પણ તાત્ત્વિક દૃષ્ટિએ એ આડંબરમાત્ર છે. તટસ્થ માણસની બુદ્ધિ આવો નિર્ણય કબૂલ ન કરે એમ મારી અલ્પમતિને તો ભાસે છે. કોઈ સુધારક પોતાની સભ્યતાને એવી લાચાર સ્થિતિમાં ન મૂકે, જેવી ઉપર દલીલ કરનારાઓએ પોતાની સભ્યતાને મૂકેલી છે. હું જાણતો નથી કે પૂર્વના કોઈ તત્ત્વજ્ઞાનીને એવો ભય હોય કે, પશ્ચિમની પ્રજા પૂર્વના સંબંધમાં સ્વતંત્રતાએ આવે તો પૂર્વની સભ્યતા પશ્ચિમના પૂરમાં વેળુની માફક ઘસડાઈ જાય. જ્યાં સુધી એ તત્ત્વજ્ઞાનનો મને કંઈ પણ ખયાલ છે ત્યાં સુધી મને તો એમ ભાસે છે કે પૂર્વની સભ્યતા પશ્ચિમના સ્વતંત્ર સંગમથી નિર્ભય રહે છે, એટલું જ નહીં પણ તેવા સંગમને વધાવી લે. એથી ઊલટા દાખલા પૂર્વમાં જોવામાં આવે એથી મેં જે સિદ્ધાંત બતાવ્યો છે તેને આંચ આવતી નથી, કારણ કે એ સિદ્ધાંતના સમર્થનમાં અનેક દૃષ્ટાંતો આપી શકાય એમ હું માનું છું. પણ એ ગમે તેમ હો, પશ્ચિમના તત્ત્વજ્ઞાનીઓનો દાવો તો એવો છે કે પશ્ચિમના સુધારાનો તો મૂળ સિદ્ધાંત એ છે કે પશુબળ સર્વોપરી છે. અને તેથી જ એ સુધારાના હિમાયતી પશુબળને કાયમ રાખવા પોતાના વખતનો મોટામાં મોટો ભાગ આપે છે. એનો તો વળી એવો પણ સિદ્ધાંત છે કે જે પ્રજા પોતાની હાજતો વગેરે વધારશે નહીં એ પ્રજાનો છેવટે નાશ જ થવાનો છે. આ સિદ્ધાંતોને અનુસરીને તો પશ્ચિમની પ્રજા દક્ષિણ આફ્રિકામાં વસી છે, અને પોતાની સંખ્યાના પ્રમાણમાં ત્યાંના અસંખ્ય હબસીઓને તેણે વશ કર્યા છે. તેને હિંદુસ્તાનની રંક પ્રજાનો ભય હોઈ જ કેમ શકે ? અને એ સુધારાની દૃષ્ટિએ ભય ખરું જોતાં નથી એનો સારામાં સારો પુરાવો તો એ છે કે હિંદીઓ જો સદાયને સારુ માત્ર મજૂર તરીકે જ રહ્યા હોત તો કદી હિંદીઓના વસવાટની સામે હિલચાલ ન જ થાત.