પૃષ્ઠ:Dakshin Afrika.pdf/૧૧૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

તેથી જે શેષ વસ્તુ રહી જાય છે એ તો કેવળ વેપાર અને વર્ણ. હિંદી વેપાર એ અંગ્રેજી નાનકડા વેપારીઓને દૂભવે છે અને ઘઉંવર્ણનો અણગમો એ હાલ તુરતને સારું ગોરી પ્રજાઓના હાડમાં પેસી ગયો છે, એમ હજારો ગોરાઓએ લખ્યું છે અને કબૂલ કર્યું છે. ઉત્તર અમેરિકામાં જયાં કાયદામાં તો બધાને સરખા સરખા હક છે ત્યાં પણ બૂકર વોશિંગ્ટન જેવો ઊંચામાં ઊંચી પાશ્ચાત્ય કેળવણી પામેલ, અતિશય ચારિત્રવાન ખ્રિસ્તી, અને જેણે પશ્ચિમની સભ્યતાને પૂરેપૂરી રીતે પોતાની કરેલી છે એ માણસ પ્રેસિડન્ટ રૂઝવેલ્ટના દરબારમાં ન જઈ શકયો, અને આજે પણ ન જઈ શકે. ત્યાંના હબસીઓએ પશ્ચિમનો સુધારો કબૂલ કર્યો છે. તેઓ ખ્રિસ્તી પણ થયા છે. પણ તેઓની કાળી ચામડી એ તેઓનો ગુનો છે. અને ઉત્તરમાં જે તેઓનો સંસારવ્યવહારમાં તિરસ્કાર થાય છે તો દક્ષિણ અમેરિકામાં ગોરાઓ ગુનાના વહેમમાત્રથી જીવતા બાળે છે. દક્ષિણ અમેરિકામાં એ દંડનીતિનું ખાસ નામ પણ છે. જે આજે અંગ્રેજી ભાષામાં પ્રચલિત શબ્દ થઈ ગયો છે તે "લિન્ચ લૉ". “લિન્ચ લો” એટલે એ દંડનીતિ કે જેની રૂએ પ્રથમ સજા અને પછી તપાસ. 'લિન્ચ' નામનો માણસ જેણે આ પ્રથા શરૂ કરી તેના ઉપરથી એ નામ પડેલું છે.

એટલે વાંચનાર સમજી શકશે કે ઉપલી તાત્ત્વિક ગણાતી દલીલમાં બહુ તત્ત્વ નથી. પણ એવો અર્થ પણ વાંચનાર ન કરે કે બધા દલીલ કરનારાઓએ જુદું જાણતા છતાં ઉપરની દલીલ કરેલી છે. તેઓમાંના ઘણા પોતાની દલીલ તાત્ત્વિક છે એમ પ્રામાણિકપણે માને છે. એવો સંભવ છે કે આપણે એવી સ્થિતિમાં હોઈએ તો કદાચ આપણે પણ એવી જ દલીલ કરીએ. કંઈક એવા જ કારણથી 'બુદ્ધિઃ કમાનુસારિણી” એવી કહેવત નીકળી હશે. એવો અનુભવ કોને નહીં હોય કે આપણી અંતર્વૃત્તિ જેવી ઘડાઈ હોય તેવી દલીલો આપણને સૂઝયા કરે છે અને એ દલીલ બીજાને ગળે ન ઊતરે એટલે આપણને અસતોષ, અધીરાઈ અને છેવટે રોપ આવે છે.

આટલી ઝીણવટમાં હું ઈરાદાપૂર્વક ઊતરેલો છું. હું ઈચ્છું છું કે વાંચનાર જુદી જુદી દૃષ્ટિઓ સમજે અને જેઓ આજ લગી તેમ