પૃષ્ઠ:Dakshin Afrika.pdf/૧૧૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

ન કરતા આવ્યા હોય તેઓ જુદી જુદી દૃષ્ટિઓને માન આપવાની અને સમજવાની ટેવ પાડે. સત્યાગ્રહનો ભેદ જાણવાને સારુ અને વિશેષમાં તો સત્યાગ્રહ અજમાવવાને સારુ એવી ઉદારતાની અને એવી સહનશક્તિની ઘણી જરૂર છે. એ વિના સત્યાગ્રહ થઈ જ ન શકે. આ પુસ્તક લખવાનો હેતુ લખવાને ખાતર તો છે જ નહીં. દક્ષિણ આફ્રિકાના ઈતિહાસનું એક પ્રકરણ પ્રજાની આગળ મૂકવું એ હેતુ પણ નથી. પણ જે વસ્તુને સારુ હું જીવું છું, જીવવા ઈચ્છું છું, અને જેને સારુ તેટલે જ દરજજે મરવાને પણ તૈયાર છું એમ માનું છું, તે વસ્તુ કેમ ઉત્પન્ન થઈ, તેની પહેલી સામુદાયિક અજમાયશ કેમ કરવામાં આવી, એ બધું પ્રજા જાણે, સમજે, અને પસંદ કરે તેટલું અને પોતાની શક્તિ હોય તે પ્રમાણે અમલમા મૂકે, એ છે.

હવે આપણે પાછા કથાપ્રસંગને લઈએ. આપણે જોયું કે બ્રિટિશ સત્તાધિકારીઓએ એવો નિર્ણય કર્યો કે ટ્રાન્સવાલમાં નવા - આવતા હિંદીઓને અટકાવવા, અને જૂનાની સ્થિતિ એવી કફોડી કરી મૂકવી કે જેથી તેઓ કાયર થઈને ટ્રાન્સવાલ છોડે, અને ન છોડે તોય એ લગભગ મજૂર જેવા થઈને જ રહી શકે. દક્ષિણ આફ્રિકાના કેટલાક મહાન ગણાતા રાજદ્વારી પુરુષોએ એક કરતાં વધારે વખત કહેલું કે હિંદીઓ એ દેશમાં કેવળ કઠિયારા અને કાવડિયા તરીકે જ પોસાઈ શકે. ઉપર કહ્યું તે એશિયાટિક ખાતામાં બીજા અમલદારો હતા, તેમ હિંદુસ્તાનમાં રહી ગયેલા અને વિભક્ત જવાબદારી(ડાયર્કિ)ના શોધક અને પ્રચારક તરીકે પ્રસિદ્ધિ મેળવી ગયેલા મિ. લાયનલ કર્ટિસ પણ હતા. એ ખાનદાન કુટુંબના નવજુવાન છે; અથવા તે વખતે ૧૯૦પ-૬માં તો નવજુવાન જ હતા. લૉર્ડ મિલ્નરના વિશ્વાસપાત્ર માણસ હતા. બધું કામ શાસ્ત્રીય પદ્ધતિએ જ કરવાનો દાવો કરનાર હતા. પણ તેમનાથી મહાન ભૂલો પણ થઈ શકતી હતી. જોહાનિસબર્ગની મ્યુનિસિપાલિટીએ એવી પોતાની એક ભૂલથી ૧૪,૦૦૦ પાઉંડના ખાડામાં તેમણે ઉતારેલી ! એમણે શોધી કાઢ્યું કે ટ્રાન્સવાલમાં નવા હિંદીઓને આવતા અટકાવવા હોય તો પ્રથમ પગલું તો એ ભરાવું જોઈએ કે કાંઈક એવી રીતે દરેક જૂના હિંદીની નોંધ લેવાય કે