પૃષ્ઠ:Dakshin Afrika.pdf/૧૧૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

અંગૂઠાની છાપની સરખામણી કરીને એકબે મિનિટમાં જ કહી શકે કે એ નોખી નોખી વ્યક્તિના છે કે એક વ્યક્તિના. છબીઓ આપવી એ મને તો જરાયે ગમતું ન હતું અને મુસલમાનોની દૃષ્ટિએ તો એમાં ધાર્મિક હરકત પણ હતી. છેવટે મસલતનું પરિણામ એ આવ્યું કે દરેક હિંદીએ પોતાના જૂના પરવાના આપીને નવા ધોરણ પ્રમાણે પરવાના કઢાવી લેવા અને નવા આવનાર હિંદીને નવા ધોરણના જ પરવાના આપવા. અામ કરવાની હિંદીઓ ઉપર કાયદાની ફરજ મુદ્દલ ન હતી, પણ નવા અંકુશો ન થાય, કોમ દગાથી કોઈને દાખલ કરવાને નથી ઈચ્છતી એમ બતાવી શકાય, અને સુલેહના કાયદાનો અમલ નવા આવનારની પજવણીની ખાતર ન કરવામાં આવે એવી ઉમેદથી મરજિયાત પરવાના કઢાવ્યા. એમ કહી શકાય કે લગભગ બધા હિંદીઓએ આ નવા ધોરણના પરવાના કઢાવી લીધા. આ કંઈ જેવી તેવી વાત ન ગણાય. જે કામ કરવાની કાયદામાં કોમની જરા પણ ફરજ ન હતી તે કામ કોમે એકસંપથી ઘણી જ ત્વરાથી કરી બતાવ્યું એ કોમની સચ્ચાઈ, વ્યવહારકુશળતા, સાદાઈ, સમજણ, અને નમ્રતાની નિશાની હતી. અને એ કામથી કોમે એમ પણ સિદ્ધ કરી આપ્યું કે ટ્રાન્સવાલના કોઈ પણ કાયદાનું કોઈ પણ રીતે ઉલ્લઘન કરવાનો તેનો ઈરાદો જ ન હતો. જે સરકારની સાથે જે કોમ આટલા બધા વિવેકથી વર્તે તે કોમને તે સરકાર સંઘરે, માનીતી ગણે અને બીજા પણ હક આપે એમ હિંદીઓએ માન્યું. ટ્રાન્સવાલની બ્રિટિશ સરકારે આ મહાવિવેકનો બદલો કેવી રીતે આપ્યો એ આપણે આવતા પ્રકરણમાં જોઈશું.