પૃષ્ઠ:Dakshin Afrika.pdf/૧૧૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

હતું તે પોતે અત્યંત દયાળુ હતો. જખમીઓને ઊંચકીને ઈસ્પિતાલમાં આવ્યા પછી તેમની સારવાર કરવી એ અમારા ક્ષેત્રની બહાર હતું, પણ અમારી દૃષ્ટિએ તો જે કંઈ મજૂરી સોંપે તે અમારા ક્ષેત્રમાં જ છે એમ સમજીને અમે ગયા હતા. એટલે આ ભલા દાકતરે અમને કહ્યું કે તેને કોઈ પણ ગોરો સારવાર કરનારો મળતો નથી, એ કોઈને ફરજ પાડી શકે એવી તેની શક્તિ નથી, અને અમે જો આ દયાનું કામ કરીએ તો તે ઉપકાર માનશે. અમે એ કામને વધાવી લીધું. કેટલાક હબસીઓના જખમ પાંચ પાંચ છ છ દિવસ થયા દુરસ્ત કરવામાં આવ્યા જ ન હતા, તેથી વાસ મારતા હતા. એ બધા સાફ કરવાનું અમારે માથે આવ્યું અને અમને એ બહુ જ ગમ્યું. હબસીઓ અમારી સાથે બોલી તો શું જ શકે ? હબસીઓની ચેષ્ટા અને તેઓની આંખો ઉપરથી અમે જોઈ શકતા હતા કે તેઓને મદદ કરવા કેમ જાણે અમને ઈશ્વરે મોકલ્યા ન હોય, એમ તેઓને લાગતું હતું. આ કામમાં કેટલીક વેળાએ દિવસમાં ચાળીસ ચાળીસ માઈલનો પંથ પણ અમારે કરવો પડતો.

એક મહિનામાં અમારું કામ પતી ગયું. અમલદારોને સંતોષ થયો. ગવર્નરે ઉપકારનો કાગળ લખ્યો. આ ટુકડીમાં ત્રણ ગુજરાતી, જેઓને સાર્જન્ટનો અધિકાર આપવામાં આવ્યો હતો, તેમનાં નામ જાણી ગુજરાતીઓ ખુશી થશે જ. તેમાંના એક ઉમિયાશંકર શેલત, બીજા સુરેન્દ્રરાય મેઢ અને ત્રીજા હરિશંકર જોશી. ત્રણે કસાયેલા શરીરના હતા અને ત્રણેએ ઘણી સખત મહેનત કરેલી. બીજા હિંદીઓનાં નામ અત્યારે મને યાદ નથી આવતાં, પણ એક પઠાણ પણ તેમાં હતો એટલું મને બરાબર યાદ છે. અને તેના જેટલો જ બોજો અમે બધા ઊંચકી શકતા અને કૂચ કરવામાં પણ અમે સાથે રહી શકતા એ તેને આશ્ચર્યકારક લાગતું, એ પણ મને યાદ છે.

આ ટુકડીના કામને અંગે મારા બે વિચારો, જે મનમાં ધીમે ધીમે પાક્યા કરતા હતા, એ પાકીને ઊતર્યા એમ કહી શકાય. એક તો એ કે સેવાધર્મને પ્રધાનપદ આપનારે બ્રહ્મચર્યનું પાલન કરવું જ જોઈએ અને બીજો એ કે સેવાધર્મ કરનારે ગરીબી સદાયને સારુ ધારણ કરવી જોઈએ. તે કોઈ એવા વ્યવસાયમાં ન પડે કે