પૃષ્ઠ:Dakshin Afrika.pdf/૧૨૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

વસતા દસપંદર હજાર હિંદીઓની જ છે એમ નથી, પણ દક્ષિણ આફ્રિકાના હિંદીમાત્રને વાસ્તે છે. વળી જો આપણે આ ખરડાનું રહસ્ય પૂરું સમજી શકીએ તો તો આખા હિંદુસ્તાનની પ્રતિષ્ઠાની જવાબદારી પણ આપણી ઉપર આવે છે. કેમ કે આ બિલથી આપણું જ અપમાન થાય છે એમ ન કહેવાય, પણ આખા હિંદુસ્તાનનું અપમાન એમાં રહેલું છે. અપમાનનો અર્થ એ છે કે નિર્દોષ માણસના માનનો ભંગ થવો, આપણે આવા કાયદાને પાત્ર છીએ એમ કહવાય જ નહીં. આપણે નિર્દોષ છીએ, અને પ્રજાના એક પણ નિર્દોષ અંગનું અપમાન તે આખી પ્રજાના અપમાન બરોબર છે. એટલે આવે કઠિન પ્રસંગે આપણે ઉતાવળ કરીશું, અધીરા થઈશું, ગુસ્સે થઈશું, તો તેટલાથી કંઈ આ હુમલામાંથી નહીં બચી શકીએ. પણ જો આપણે શાંતિથી ઈલાજ શોધી વખતસર તે લઈશું, એકત્ર રહીશું, અને અપમાનની સામે થતાં પડે તે દુ:ખ પણ સહન કરીશું તો, હું માનું છું કે, આપણને ઈશ્વર જ મદદ કરશે." સૌ બિલનું ગાંભીર્ય સમજી શકયા, અને એવો ઠરાવ કર્યો કે એક જાહેર સભા ભરવી અને કેટલાક ઠરાવો રજૂ કરી તે પસાર કરાવવા. યહૂદીઓની એક નાટકશાળા ભાડે રાખી ત્યાં સભા બોલાવવામાં આવી.

હવે વાંચનાર સમજી શકશે કે આ પ્રકરણને મથાળે 'ખૂની કાયદો” એવા નામથી આ બિલને કેમ ઓળખાવવામાં આવ્યું છે. એ વિશે પણ મેં એ પ્રકરણને સારુ નથી યોજેલું, પણ એ વિશેષણનો ઉપયોગ દક્ષિણ આફ્રિકામાં જ એ કાયદાને ઓળખવાને સારુ પ્રચલિત થઈ ગયો હતો.