પૃષ્ઠ:Dakshin Afrika.pdf/૧૨૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧ર. સત્યાગ્રહનો જન્મ

આ નાટકશાળામાં સભા તો ભરી.[૧] ટ્રાન્સવાલનાં જુદાં જુદાં શહેરોમાંથી પ્રતિનિધિઓને બોલાવ્યા. પણ મારે કબૂલ કરવું જોઈએ કે જે ઠરાવો મેં ઘડયા હતા તેનો પૂરો અર્થ હું પોતે જાણી શકયો ન હતો, તેમ જ તેમાંથી ક્યાં પરિણામ આવી શકે એ પણ એ વખતે હું નહોતો માપી શકયો. સભા ભરાઈ, નાટકશાળામાં ક્યાંયે ખાલી જગ્યા ન રહી. કંઈક નવું કરવાનું છે, નવું થવાનું છે, એમ સૌના ચહેરા ઉપરથી જેાઈ શકતો હતો. ટ્રાન્સવાલ બ્રિટિશ ઈન્ડિયન એસોસિયેશનના પ્રમુખ મિ. અબ્દુલ ગની ખુરશીએ વિરાજ્યા હતા. ટ્રાન્સવાલના ઘણા જ જૂના હિંદી રહીશમાંના એ એક હતા. મહમદ કાસમ કમરુદ્દીન નામની પ્રખ્યાત પેઢીના તે ભાગીદાર અને જોહાનિસબર્ગનીશાખાના વ્યવરથાપક હતા. સભામાં જે ઠરાવો રજૂ થયા હતા તેમાં ખરેખર એક જ ઠરાવ હતો. એની મતલબ એવી હતી કે એ બિલની સામે બધા ઉપાયો લેવા છતાં પણ જો એ પાસ થાય તો હિંદીઓએ તેને શરણે ન થવું અને શરણ ન થવાથી જે જે દુ:ખો પડે તે બધાં સહન કરવાં.

આ ઠરાવ સભાને હું બરોબર સમજાવી ગયો. સભાએ શાંતિથી તે સાંભળ્યો. કારભાર તો બધો હિંદીમાં અથવા ગુજરાતીમાં જ હોય, એટલે કોઈ પણ કંઈ ન સમજી શકે એવું તો બને જ નહીં. હિંદી નહીં સમજનારા તામિલ અને તેલુગુ ભાઈઓને સારુ તે તે ભાષાના બોલનારા પણ બધી હકીકત પૂરેપૂરી સમજાવે. નિયમપૂર્વક દરખાસ્ત થઈ. ઘણા માણસોએ ટેકો પણ આપ્યો. તેમાં એક બોલનાર શેઠ હાજી હબીબ હતા. એ પણ દક્ષિણ આફ્રિકાના ઘણા જૂના અને અનુભવી રહીશ હતા. તેમણે અતિશય જુસ્સાદાર ભાષણ કર્યું. અને આવેશમાં આવીને તેમણે એમ પણ કહ્યું કે, “આ ઠરાવ આપણે ખુદાને હાજરનાજર જાણીને કરવાનો છે. આપણે નામર્દ થઈને આવા કાયદાને કદી વશ નહીં થઈએ. તેથી હું તો ખુદાના

  1. તા. ૧૧મી સપ્ટેમ્બર, ૧૯૦૬.