લખાણ પર જાઓ

પૃષ્ઠ:Dakshin Afrika.pdf/૧૨૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

કસમ ખાઈને કહું છું કે આ કાયદાને હરગિજ તાબે નહીં થાઉં. અને આ આખી મિજલસને સલાહ આપું છું કે તેઓએ ખુદાને હાજરનાજર જાણીને કસમ લેવા.”

ટેકામાં બીજાં પણ તીખાં અને જોરાવર ભાષણો થયાં. જ્યારે શેઠ હાજી હબીબ બોલતા હતા અને કસમની વાત ઉપર આવ્યા એટલે હું તરત ચમકયો અને સાવધાન થયો. ત્યારે જ મારી પોતાની જવાબદારીનું અને કામની જવાબદારીનું મને પૂરેપૂરું ભાન આવ્યું. આજ લગી કોમે ઘણા ઘણા ઠરાવ કર્યા હતા. તેમાં વધુ વિચારે અથવા નવા અનુભવે ફેરફારો પણ કર્યા હતા. એવા ઠરાવોનો બધા અમલ ન કરે એવું પણ બનેલું હતું. ઠરાવના ફેરફારો, ઠરાવમાં સંમત થયેલાના ઈન્કાર, વગેરે વસ્તુઓ આખી દુનિયામાં જાહેર જિંદગીના સ્વાભાવિક અનુભવ છે, પણ એવા ઠરાવોમાં કોઈ ઈશ્વરનું નામ વચમાં લાવતું નથી. તાત્ત્વિક દૃષ્ટિએ વિચાર કરતાં, નિશ્ચય અને ઈશ્વરનું નામ લઈને કરેલી પ્રતિજ્ઞા, એ બેની વચ્ચે કંઈ ભેદ હોવો નહીં જોઈએ. બુદ્ધિશાળી માણસ વિચારપૂર્વક કંઈ નિશ્ચય કરે તો તેમાંથી એ ડગતો નથી. તેને મન તેનું વજન ઈશ્વરને સાક્ષી રાખી કરેલી પ્રતિજ્ઞાના જેટલું જ છે. પણ દુનિયા તાત્ત્વિક નિર્ણયોથી નથી ચાલતી. ઈશ્વરને સાક્ષી રાખી કરેલી પ્રતિજ્ઞા અને સામાન્ય નિશ્ચય વચ્ચે મહાસાગર જેટલું અંતર માને છે. સામાન્ય નિશ્ચય ફેરવવામાં ફેરવનાર નથી શરમાતો, પણ પ્રતિજ્ઞા કરેલ માણસ પ્રતિજ્ઞાભંગ કરે તો પોતે શરમાય છે, સમાજ તેને ફિટકારે છે અને પાપી ગણે છે. આ વસ્તુએ એટલી બધી ઊંડી જડ ઘાલી છે કે કાયદાઓમાં પણ કસમ ખાઈને કહેલી વાત જૂઠી ઠરે તો કસમ ખાનારે ગુનો કર્યો ગણાય છે અને તેને સખત સજા મળે છે.

આવા વિચારોથી ભરેલો હું પ્રતિજ્ઞાઓનો અનુભવી, પ્રતિજ્ઞાનાં સારાં ફળ ચાખનાર, ઉપલી પ્રતિજ્ઞાની વાતથી હબતાઈ જ ગયો. મેં તેનાં પરિણામો એક ક્ષણની અંદર જોઈ લીધાં. એ ગભરામણોમાંથી જુસ્સો પેદા થયો. અને જોકે હું એ સભામાં પ્રતિજ્ઞા કરવા કે લોકોની પાસે પ્રતિજ્ઞા કરાવવાના ઈરાદાથી નહીં ગયેલો, છતાં મને શેઠ હાજી હબીબની સૂચના અત્યંત ગમી. પણ તેની સાથે મને