પૃષ્ઠ:Dakshin Afrika.pdf/૧૨૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

એમ પણ થયું કે બધાં પરિણામોથી લોકોને વાકેફ કરવા જોઈએ, પ્રતિજ્ઞાનો અર્થ સ્પષ્ટ રીતે સમજાવવો જોઈએ, અને પછી પ્રતિજ્ઞા કરી શકે તો જ તે વધાવી લેવી, અને ન કરી શકે તો મારે સમજી લેવું કે લોકો હજી અંતિમ કસોટીએ ચડવા તૈયાર નથી થયા. તેથી મેં પ્રમુખની રજા માગી કે શેઠ હાજી હબીબના કહેવાનું રહસ્ય મને સમજાવવા દો. મને રજા મળી અને હું ઊઠ્યો. અને જે પ્રમાણે મેં કહ્યું તેનો સાર અત્યારે મને જેવો યાદ છે તેવો હું નીચે આપું છું :

“આજ સુધીમાં જે ઠરાવો આપણે કર્યા છે અને તે જેવી રીતે કર્યા છે, તે ઠરાવોમાં અને તે રીતમાં અને આ ઠરાવમાં અને આ ઠરાવની રીતમાં ઘણો તફાવત છે એ હું આ સભાને સમજાવવા ઈચ્છું છું. ઠરાવ ઘણો ગંભીર છે, કેમ કે તેના પૂરેપૂરા અમલમાં દક્ષિણ આફ્રિકામાં આપણી હસ્તી છુપાયેલી છે. એ ઠરાવ કરવાની રીત જે આપણા ભાઈએ સૂચવી છે, એ જેમ ગંભીર છે તેમ જ નવીન છે. હું પોતે એ રીતે ઠરાવ કરાવવાનો વિચાર કરી અહીં આવ્યો ન હતો. તે યશના ધણી કેવળ શેઠ હાજી હબીબ છે, અને એ જવાબદારીનું જોખમ પણ એમની જ ઉપર છે. એમને હું મુબારકબાદી આપું છું. એમની સૂચના મને બહુ ગમી છે. પણ જો એમની સૂચનાને તમે ઝીલી લો તો તેની જવાબદારીમાં તમે પણ ભાગીદાર થશો. એ જવાબદારી શું છે એ તમારે સમજવું જ જોઈએ, અને કોમના સલાહકાર અને સેવક તરીકે એ પૂરેપૂરી સમજાવવી એ મારો ધર્મ છે.

“આપણે બધા એક જ સરજનહારને માનનારા છીએ. તેને મુસલમાન ભલે ખુદાને નામે પોકારે, હિંદુ ભલે તેને ઈશ્વરને નામે ભજે, પણ તે એક જ સ્વરૂપ છે. એને સાક્ષી કરી, અને દરમ્યાન રાખી, આપણે પ્રતિજ્ઞા લેવી કે કસમ ખાવા એ નાનીસૂની વાત નથી. એવા કસમ ખાઈને જો આપણે ફરી જઈએ તો કોમના, જગતના અને ખુદાના ગુનેગાર થઈએ. હું તો માનું છું કે, સાવધાનીથી, શુદ્ધ બુદ્ધિથી જે માણસ પ્રતિજ્ઞા લે અને પછી તેનો ભંગ કરે તે પોતાની ઈન્સાનિયત અથવા માણસાઈ ખોઈ બેસે છે; અને