પૃષ્ઠ:Dakshin Afrika.pdf/૧૨૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

“હવે બે બૉલ પરિણામ વિશે. સારામાં સારી આશા બાંધીને તો એમ કહી શકાય કે જે બધા પોતાના કસમ ઉપર કાયમ રહે અને હિંદી કોમનો મોટો ભાગ કસમ ખાઈ શકે તો આ કાયદો પસાર પણ ન થાય, અથવા પસાર થાય તો તુરતમાં રદ થાય જ. કોમને ઘણું સહન ન કરવું પડે. એમ પણ બને કે કાંઈ સહન ન કરવું પડે. પણ કસમ ખાનારનો ધર્મ એક તરફથી શ્રદ્ધાપૂર્વક આશા રાખવાનો છે, તેમ જ બીજી તરફથી કેવળ નિરાશાવાન રહીને કસમ ખાવા તૈયાર થવાનો છે. તેથી જ આપણી લડતમાં જે કડવામાં કડવાં પરિણામ આવી શકે એનો ચિતાર હું આ સભાની પાસે ખડો કરવા ઈચ્છું છું. આપણે અહીંયાં રહેલા કસમ ખાઈએ, બહુમાં બહુ આપણી સંખ્યા ત્રણ હજારની હોય. બાકીના દસ હજાર કસમ ન ખાય એમ પણ બને. અારંભમાં તો આપણી હાંસી થવાની જ. વળી આટલી બધી ચેતવણી આપ્યા છતાં એમ બનવું તદ્દન સંભવિત છે કે કસમ ખાનારાઓમાંના કેટલાક અથવા ઘણા પહેલી કસોટીએ જ નબળા માલૂમ પડે. આપણે જેલમાં જવું પડે. જેલમાં અપમાનો સહન કરવાં પડે. ભૂખ, ટાઢ, તડકા પણ સેવવા પડે. સખત મજૂરી કરવી પડે. ઉદ્ધત દારોગાઓના માર પણ ખાવા પડે. દંડ થાય અને સેજી(ટાંચ)માં માલ પણ વેચાઈ જાય. લડનારા ઘણા થોડા રહી જઈએ તો આજે આપણી પાસે ઘણો પૈસો હોય છતાં કંગાલ પણ બનીએ, દેશપાર પણ થવું પડે, અને ભૂખો ખેંચતાં, જેલનાં બીજાં દુ:ખો વેઠતાં કોઈ માંદા પણ પડે, અને કોઈ મરે પણ ખરા. એટલે ટૂંકમાં જે દુઃખ તમે કલ્પી શકો તે બધાં આપણે સહન કરવાં પડે એમાં કશુંયે અશક્ય નથી, અને ડહાપણ તો એ કે એ બધું સહન કરવું પડશે એમ માનીને જ આપણે કસમ લેવા મને કોઈ પૂછે કે આ લડાઈનો અંત શું આવે અને ક્યારે આવે તો હું કહી શકું કે જે આખી કોમ કસોટીમાંથી સાંગોપાંગ ઊતરે તો આ લડાઈનો નિકાલ તુરત આવે. પણ જે આપણામાંના ઘણા ભીડ અાવ્યે પડી જાય તો લડાઈ લાંબી ચાલે. પણ એટલું તો હું હિંમતથી અને નિશ્ચયપૂર્વક કહી શકું છું કે, જ્યાં સુધી મૂઠીભર માણસો પણ પ્રતિજ્ઞાને જીવંત રાખનારા હશે