પૃષ્ઠ:Dakshin Afrika.pdf/૧૨૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

ઊઠયા. તેમણે પણ સમજાવ્યું અને છેવટે આખી સભાએ ઊભા રહીને હાથ ઊંચા કરીને, ઈશ્વરને સાક્ષી ગણીને, કાયદો પસાર થાય તો તેને શરણ ન થવાની પ્રતિજ્ઞા કરી. એ દેખાવ હું તો કોઈ દિવસ ભૂલી શકું એમ નથી. લોકોના ઉત્સાહનો પાર નહોતો. બીજે જ દિવસે એ નાટકશાળામાં કંઈ અકસ્માત થયો અને આખી બળીને ભસ્મ થઈ ગઈ. ત્રીજે દિવસે લોકો મારી પાસે એ ખબર લાવ્યા અને કોમને મુબારકબાદી દેવા લાગ્યા કે નાટકશાળાનું બળવું એ શુભ શુકન હતા; જેમ નાટકશાળા બળી ગઈ તેમ કાયદો પણ બળી જશે. આવી નિશાનીઓની કોઈ દિવસ મારી ઉપર અસર થઈ નથી એટલે મેં તેની ઉપર વજન ન આપ્યું, એ વસ્તુની અહીંયાં નોંધ લઉં છું તે લોકોનું શૌર્ય અને શ્રદ્ધા બતાવવાની ખાતર. એ બંનેની બીજી ઘણી નિશાનીઓ હવે પછીનાં પ્રકરણોમાં વાંચનાર જોશે.

ઉપરની મહાન સભા ભરાયા બાદ કામ કરનારાઓ બેસી ન રહ્યા. ઠેકઠેકાણે સભાઓ ભરાઈ અને બધી જગ્યાએ સર્વાનુમતે પ્રતિજ્ઞાઓ લેવાઈ. 'ઈન્ડિયન ઓપીનિયન'માં હવે મુખ્ય ચર્ચાનો વિષય ખૂની કાયદો જ રહ્યો. બીજી તરફથી સ્થાનિક સરકારને મળવાને પણ પગલાં ભર્યા. એ ખાતાના ઉપરી પ્રધાનની પાસે એક ડેપ્યુટેશન ગયું. પ્રતિજ્ઞાની વાતો પણ સંભળાવી. શેઠ હાજી હબીબ જે એ ડેપ્યુટેશનમાં હતા એમણે કહ્યું, "જો મારી ઓરતનાં અાંગળાં લેવા કોઈ પણ અમલદાર આવશે તો હું મારા ગુસ્સાને જરાયે કાબૂમાં રાખી શકીશ નહીં. તેને હું ઠાર મારવાનો અને હું મરવાનો." પ્રધાન ક્ષણ વાર શેઠ હાજી હબીબના મુખ સામું જોઈ રહ્યા. તેણે કહ્યું, “આ કાયદો ઓરતોને લાગુ પાડવા બાબત સરકાર વિચાર કરી જ રહેલી છે. અને એટલી ખાતરી તો હું હમણાં જ આપી શકું છું કે ઓરતોને લગતી કલમો ખેંચી લેવામાં આવશે. એ બાબતમાં તમારી લાગણી સરકાર સમજી શકી છે અને તેને માન અાપવા ઈચ્છે છે. પણ બીજી કલમો વિશે તો, મારે તમને દિલગીરીની સાથે જણાવવું જોઈએ કે, સરકાર દૃઢ છે અને દૃઢ રહશે. જનરલ બોથા ઈચ્છે છે કે તમે પુખ્તપણે વિચાર કરી અા કાયદાને કબૂલ