પૃષ્ઠ:Dakshin Afrika.pdf/૧૩૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

પસંદ કર્યું છે. થોડાં વરસ પહેલાં અંગ્રેજી ધારાસભાએ જયારે કેળવણીનો કાયદો પસાર કર્યો ત્યારે ડૉક્ટર ક્લિફર્ડની આગેવાની નીચે ઈંગ્લેન્ડના નૉન-કન્ફૉર્મિસ્ટ નામે ઓળખાતા ખ્રિસ્તી પક્ષે પેસિવ રિઝિસ્ટન્સ આદર્યો હતો. ઇંગ્લેન્ડની ઓરતોએ મતાધિકારને સારુ ભારે હિલચાલ કરી તે પણ પેસિવ રિઝિસ્ટન્સને નામે ઓળખાતી હતી. આ બંને હિલચાલ ધ્યાનમાં રાખીને જ મિ. હોસ્કિને જણાવેલું કે પેસિવ રિઝિસ્ટન્સ એ નબળાનું અથવા મતાધિકાર ન હોય તેવાનું શસ્ત્ર છે. ડૉ. ક્લિફર્ડવાળો પક્ષ મતાધિકારીનો હતો. પણ આમની સભામાં તેઓની સંખ્યા ઓછી, તેથી તેમના મતનું વજન કેળવણીનો કાયદો અટકાવી ન શકયું, એટલે કે એ પક્ષ સંખ્યામાં નબળો ઠર્યો. પોતાના પક્ષને સારુ એ પક્ષ હથિયારનો ઉપયોગ ન જ કરે એવું કંઈ નથી. પણ આ કામમાં એવો ઉપયોગ કરે તો એ ફાવે નહીં. તેમ, એકાએક દરેક વખતે બંડ કરીને જ હકો મેળવવાની પદ્ધતિ સુવ્યવસ્થિત રાજતંત્રની અંદર ચાલી ન જ શકે. વળી ડૉકટર ક્લિફર્ડના પક્ષના કેટલાક ખ્રિસ્તીઓ સામાન્ય રીતે હથિયારનો ઉપયોગ થઈ શકતો હોય તોપણ કરવાનો વિરોધ કરે. ઓરતોની હિલચાલમાં મતાધિકાર તો હતો જ નહીં. સંખ્યામાં અને શરીરમાં પણ તેઓ નબળી. એટલે એ દાખલો પણ મિ. હૉસ્કિનની દલીલના ટેકામાં જ હતો. ઓરતોની હિલચાલમાં હથિયારના ઉપયોગનો ત્યાગ હતો જ નહીં. ઓરતોમાં એક પક્ષે મકાનો પણ બાળેલાં અને પુરુષો ઉપર હુમલાઓ પણ કરેલા. કોઈનાં ખૂન કરવાનો ઈરાદો તેઓએ કોઈ દિવસ કર્યો હોય એવું તો મારા ધ્યાનમાં નથી. પણ પ્રસંગ આવ્યે તાડન કરવું અને એમ કરીને પણ કંઈક ને કંઈક પજવણી કરવી એ તો તેમનો હેતુ હતો. હિંદી હિલચાલમાં હથિયારને તો કોઈ જ જગ્યાએ અને કોઈ પણ સ્થિતિમાં સ્થાન હતું જ નહીં. અને જેમ આપણે આગળ વધીશું તેમ વાંચનાર જોશે કે સખત દુ:ખો પડયા છતાં પણ સત્યાગ્રહીઓએ શરીરબળ વાપર્યું નથી. અને તે પણ એવે વખતે કે જ્યારે એ બળ પરિણામપૂર્વક વાપરવા તે શક્તિમાન હતા. વળી હિંદી કોમને મતાધિકાર ન હતો અને તે નબળી હતી તે બન્ને વાત ખરી છતાં હિલચાલની યોજનાને તેની સાથે કંઈ સંબંધ નહોતો. આથી હું એમ