પૃષ્ઠ:Dakshin Afrika.pdf/૧૩૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

માન્યા જ કરીએ અને બીજાઓને મનાવ્યા કરીએ તો પેસિવ રિઝિસ્ટન્સ કરતાં કરતાં તો આપણે કદી બળિયા થઈ જ ન શકીએ, અને લાગ ફાવે કે તરત એ નબળાનું હથિયાર છોડી દઈએ. એથી ઊલટું, આપણે સત્યાગ્રહી હોઈએ ને આપણને પોતાને સબળ માની એ શક્તિનો ઉપયોગ કરીએ તેમાંથી બે પરિણામ ચોખખાં આવી શકે છે. બળના જ વિચારને પોષતાં આપણે દિવસે દિવસે વધારે બળવાન થઈએ છીએ અને જેમ આપણું બળ વધતું જાય તેમ સત્યાગ્રહનું તેજ વધતું જાય, ને એ શક્તિને છોડી દેવાનો પ્રસંગ તો આપણે શોધતા જ ન હોઈએ. વળી પેસિવ રિઝિસ્ટન્સમાં પ્રેમભાવને અવકાશ નથી ત્યારે સત્યાગ્રહમાં વેરભાવને અવકાશ નથી, એટલું જ નહીં, પણ વેરભાર અધર્મ ગણાય. પેસિવ રિઝિસ્ટન્સમાં, પ્રસંગ મળે તો, હથિયારબળનો ઉપયોગ કરી શકાય; સત્યાગ્રહમાં, હથિયારના ઉપયોગને સારુ ઉત્તમમાં ઉત્તમ સંયોગો પેદા થાય તોપણ, તે કેવળ ત્યાજય છે. પેસિવ રિઝિસ્ટન્સ ઘણી વખતે હથિયારબળની તૈયારી તરીકે ગણવામાં આવે છે. સત્યાગ્રહનો ઉપયોગ એવી રીતે કરાય જ નહીં. પેસિવ રિઝિસ્ટન્સ હથિયારબળની સાથે ચાલી શકે. સત્યાગ્રહ તો હથિયારબળનું કેવળ વિરોધી હોઈ બેને મેળ મળે જ નહીં, એટલે એકસાથે નભી જ ન શકે. સત્યાગ્રહનો ઉપયોગ પોતાનાં વહાલાંઓની સાથે પણ થઈ શકે છે અને થાય છે. પેસિવ રિઝિસ્ટન્સનો ઉપયોગ ખરી રીતે વહાલાંઓની સાથે થાય જ નહીં – એટલે કે વહાલાંઓને વેરી ગણીએ ત્યારે જ પેસિવ રિઝિસ્ટન્સનો ઉપયોગ કરાય. પૈસિવ રિઝિસ્ટન્સમાં વિરુદ્ધ પક્ષને દુઃખ દેવાની, પજવવાની કલ્પના હમેશાં મોજૂદ હોય છે, અને દુઃખ દેતાં પોતાને સહન કરવું પડે તે દુ:ખ સહન કરવાની તૈયારી હોય છે, ત્યારે સત્યાગ્રહમાં વિરોધીને દુ:ખ દેવાનો ખ્યાલ સરખો પણ ન હોવો જોઈએ. તેમાં તો દુઃખ વહોરીને – વેઠીને – વિરોધીને વશ કરવાનો ખ્યાલ જ હોવા જોઈએ.

આમ આ બે શક્તિઓ વચ્ચેના મુખ્ય ભેદ હું ગણાવી ગયો. પેસિવ રિઝિસ્ટન્સના જે ગુણો, – અથવા તો દોષો કહો – હું ગણાવી ગયો, તે બધા દરેક પેસિવ રિઝિસ્ટન્સમાં અનુભવવામાં આવે છે એમ કહેવાની મારી મતલબ નથી. પણ પેસિવ રિઝિસ્ટન્સના ઘણા