પૃષ્ઠ:Dakshin Afrika.pdf/૧૩૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

દાખલામાં એ દોષો જોવામાં આવ્યા છે એમ બતાવી શકાય એવું છે. એ પણ મારે વાંચનારને જણાવવું જોઈએ કે ઈશુ ખ્રિસ્તને ઘણા ખ્રિસ્તીઓ પેસિવ રિઝિસ્ટન્સનો આદિ નેતા તરીકે ઓળખાવે છે. પણ ત્યાં તો પેસિવ રિઝિસ્ટન્સનો અર્થ કેવળ સત્યાગ્રહ જ ગણાવો જોઈએ. એ અર્થમાં ઐતિહાસિક પેસિવ રિઝિસ્ટન્સના દાખલા ઘણા જોવામાં નહીં આવે. રશિયાના દુખોબોરનો દાખલો ટૉલ્સ્ટૉયે ટાંકેલો છે. એ એવા જ પેસિવ રિઝિસ્ટન્સનો એટલે સત્યાગ્રહનો છે. ઈશુ ખ્રિસ્તની પછી જે જુલમની બરદાસ હજારો ખ્રિસ્તીઓએ કરી તે વખતે પેસિવ રિઝિસ્ટન્સ શબ્દનો ઉપયોગ થતો જ ન હતો. એટલે તેઓના જેટલા નિર્મળ દાખલા મળી આવે છે તેમને તો સત્યાગ્રહ તરીકે જ ઓળખાવું. અને જો એમને આપણે પેસિવ રિઝિસ્ટન્સના નમૂના તરીકે ગણીએ તો તો પેસિવ રિઝિસ્ટન્સ અને સત્યાગ્રહની વચ્ચે કંઈ ભેદ ન રહ્યો. અા પ્રકરણનો હેતુ તો અંગ્રેજી ભાષામાં સામાન્ય રીતે પેસિવ રિઝિસ્ટન્સ શબ્દ જે રીતે વપરાય છે તેનાથી સત્યાગ્રહની કલ્પના તદ્દન જુદી છે એ બતાવવાનો છે.

જેમ પેસિવ રિઝિસ્ટન્સનાં લક્ષણો ગણાવવા જતાં એ શક્તિનો ઉપયોગ કરનારને કોઈ પણ રીતે અન્યાય ન થાય તેટલા સારુ મારે ઉપરની સાવચેતી આપવી પડી છે, તેમ સત્યાગ્રહના ગુણો ગણાવતાં જેઓ પોતાને સત્યાગ્રહી નામે ઓળખાવે છે તેઓના તરફથી એ બધા ગુણોનો દાવો હું નથી કરતો એ સૂચવવાની પણ જરૂર છે. મારી જાણ બહાર નથી કે ઘણા સત્યાગ્રહીઓ સત્યાગ્રહના જે ગુણો હું નોંધી ગયો છું તેથી કેવળ અજાણ્યા છે. ઘણા એમ માને છે કે સત્યાગ્રહ એ નબળાનું હથિયાર છે. ઘણાને મોઢેથી મેં સાંભળ્યું છે કે સત્યાગ્રહ એ હથિયારબળની તૈયારી છે. પણ મારે ફરીથી કહેવું જોઈએ કે મેં સત્યાગ્રહી કેવા ગુણોવાળા જેવામાં આવ્યા છે એ નથી બતાવ્યું, પણ સત્યાગ્રહની કલ્પનામાં શું ભરેલું છે અને તે પ્રમાણે સત્યાગ્રહી કેવા હોવા જોઈએ એ બતાવવાનો પ્રયત્ન કર્યો છે. ટૂંકામાં, જે શક્તિનો ઉપયોગ ટ્રાન્સવાલના હિંદીઓએ શરૂ કર્યો તે શક્તિની સ્પષ્ટ સમજને સારુ, અને તે શક્તિ પૈસિવ રિઝિસ્ટન્સને નામે ઓળખાતી શક્તિની સાથે ભેળવી ન દેવામાં આવે