લખાણ પર જાઓ

પૃષ્ઠ:Dakshin Afrika.pdf/૧૩૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે


તેથી, એ શક્તિનો અર્થસૂચક શબ્દ શોધવો પડયો, અને તેમાં તે વખતે કઈ કઈ વસ્તુઓનો સમાવેશ માનવામાં આવ્યો હતો એ બતાવવા પૂરતો આ પ્રકરણનો હેતુ છે.


૧૪. વિલાયતમાં ડેપ્યુટેશન

ટ્રાન્સવાલમાં ખૂની કાયદાની સામે અરજી ઈત્યાદિનાં જે જે પગલાં ભરવાં જોઈએ તે તો લઈ લીધાં. ધારાસભાએ ઓરતો વિશેની કલમ કાઢી નાખી. બાકી ખરડો જેવો બહાર પડયો હતો તેવો જ લગભગ પસાર કર્યો એમ કહી શકાય. કોમમાં એ વખતે તો ઘણી હિંમત હતી અને તેટલો જ એકસંપ અને એકમતી હતાં એટલે કોઈ નિરાશ ન થયું. એમ છતાં કાયદેસર જે જે પગલાં ભરવાનાં હોય તે તો લેવાં જ, એ નિશ્ચય કાયમ રહ્યો. અા બાબતે ટ્રાન્સવાલ “ક્રાઉનકૉલોની' હતું. ક્રાઉનકૉલોનીના શબ્દાર્થ સલ્તનતી સંસ્થાન, એટલે એવું સંસ્થાન કે જેના કાયદા, વહીવટ વગેરે સારુ વડી સરકાર પસાર કરે તેમાં બાદશાહી સંમતિ કેવળ વ્યવહાર અને વિવેકને જાળવવાની ખાતર જ મેળવવાની હોય છે એમ નહીં, પણ પોતાના પ્રધાનમંડળની સલાહથી બાદશાહ, જે કાયદા બ્રિટિશ તંત્રના સિદ્ધાંતની વિરુદ્ધ હોય, તેવા કાયદાને સંમતિ આપવાનો ઈન્કાર કરી શકે, અને એ પ્રમાણે કરવાના પ્રસંગો પણ ઘણા મળી આવે. આથી ઊલટું, જવાબદાર સત્તાવાળાં સંસ્થાન (એટલે 'રિસ્પૉન્સિબલ ગવર્નમેન્ટ”)ની ધારાસભા જે કાયદાઓ પસાર કરે તેમાં બાદશાહી સંમતિ મુખ્યત્વે કેવળ વિવેકને સારુ જ લેવાય છે.

ડેપ્યુટેશન વિલાયત જાય તો કોમ પોતાની જવાબદારી વધારે સમજે એ બતાવવાનો બોજો મારે શિર જ રહ્યો હતો. તેથી મેં અમારા મંડળની પાસે ત્રણ સૂચનાઓ રજૂ કરી. એક તો એ કે, જોકે પેલી નાટકશાળાવાળી સભામાં પ્રતિજ્ઞાઓ લેવાઈ હતી તોપણ ફરી પાછી છેવટે મુખ્ય મુખ્ય હિંદીઓની વ્યક્તિગત પ્રતિજ્ઞા મેળવી લેવી જોઈએ, કે જેથી જો લોકોમાં કંઈ પણ શંકા આવી હોય અથવા