પૃષ્ઠ:Dakshin Afrika.pdf/૧૩૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

નબળાઈએ ઘર કર્યું હોય તો ખબર પડી જાય. આ સૂચના કરવાના સમર્થનમાં મારી એક દલીલ એ હતી કે ડેપ્યુટેશન સત્યાગ્રહના બળથી જાય તો નિર્ભય થઈને જાય અને નિર્ભયતાથી કોમનો નિશ્ચય વિલાયતમાં સંસ્થાનોના અને હિંદના વજીરને બતાવી શકે. બીજી એ કે, ડેપ્યુટેશનના ખર્ચનો સંપૂર્ણ બંદોબસ્ત પહેલેથી જ થવો જોઈએ. અને ત્રીજી એ કે, ડેપ્યુટેશનમાં થોડામાં થોડા માણસો જવા જોઈએ. વધારે જવાથી વધારે કામ થઈ શકે એવી માન્યતા ઘણી વાર જોવામાં આવે છે, તેથી આ સૂચના કરવામાં આવી હતી. ડેપ્યુટેશનમાં જનાર પોતાના માનને ખાતર ન જાય પણ કેવળ સેવાની ખાતર, એ વિચારને આગળ લાવવો, ખર્ચ બચાવવું, એવી વ્યવહારદૃષ્ટિ આ સૂચનામાં હતી. એ ત્રણે સૂચનાઓ મંજૂર થઈ. સહીઓ લેવાઈ. ઘણી સહીઓ થઈ. પણ તેમાં હું જોઈ શકયો કે સભામાં પ્રતિજ્ઞા લેનારાઓમાંથી પણ કેટલાક એવા હતા કે જે સહી આપતાં સંકોચાતા હતા. એક વખતે પ્રતિજ્ઞા લીધા પછી પચાસ વખતે તે જ ફરી લેવી પડે તો એમાં સંકોચ હોવો જ ન જોઈએ. એમ છતાં કોને અનુભવ નહીં હોય કે માણસો વિચારપૂર્વક પ્રતિજ્ઞા લીધી હોય તેમાં પણ મોળા પડે છે અથવા મોઢેથી લીધેલી પ્રતિજ્ઞા લખવા જતાં અકળાય છે ? પૈસા પણ, અંદાજ કાઢયો હતો તે પ્રમાણે, એકઠા થયા. સૌથી વધારે મુશ્કેલી પ્રતિનિધિઓની ચૂંટણીમાં આવી. મારું નામ તો હતું જ. પણ મારી સાથે કોણ જાય ? આમાં કમિટીએ ઘણો કાળ કાઢ્યો. કેટલીયે રાતો વીતી અને સમાજોમાં જે જે બુરી આદતો જેવામાં આવે છે તેનો અનુભવ સંપૂર્ણ રીતે થયો. કોઈ કહે હું એકલો જ જાઉં એટલે બધાનું સમાધાન થાય. એમ કરવાની મેં ચોખ્ખી ના પાડી. હિંદુ-મુસલમાનનો સવાલ દક્ષિણ આફ્રિકામાં નહોતો એમ સામાન્ય રીતે કહી શકાય ખરું, પણ બન્ને કોમ વચ્ચે જરાયે અંતર નહોતું એવો દાવો ન જ કરી શકાય. અને જો એ ભેદે કદી ઝેરી સ્વરૂપ ન પકડ્યું તો તેનું કારણ ત્યાંના વિચિત્ર સંજોગો એ કેટલેક દરજજે ભલે હોઈ શકે પણ તેનું ખરું અને નિશ્ચિત કારણ તો એ જ કે આગેવાનોએ એકનિષ્ઠાથી અને નિખાલસપણે પોતાનું કામ કર્યું