પૃષ્ઠ:Dakshin Afrika.pdf/૧૩૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

અને કોમને દોરી. મારી સલાહ એ પડી કે, મારી સાથે એક મુસલમાન ગૃહસ્થ હોવા જ જોઈએ, અને બેથી વધારેની જરૂર નથી, પણ હિંદુ તરફથી તુરત કહેવામાં આવ્યું કે હું તો આખી કોમનો પ્રતિનિધિ ગણાઉં, એટલે હિન્દુ તરફથી એક હોવો જ જોઈએ. વળી કોઈ એમ પણ કહે કે એક કોંકણી મુસલમાન તરફથી, એક મેમણ તરફથી, અને હિંદુઓમાંથી એક પાટીદાર તરફથી, એક અનાવિલ તરફથી, એમ અનેક જાતના દાવા થયા કરતા હતા. પણ છેવટે બધા સમજ્યા અને એકમતે મિ. હાજી વજીરઅલ્લી અને હું એમ બે જ જણ ચૂંટાયા.

હાજી વજીરઅલ્લી અર્ધા મલાયીમાં ગણી શકાય. એમના બાપ હિંદી મુસલમાન અને મા મલાયણ હતી. એમની માદરી જબાન ડચ કહીએ તો ચાલી શકે. પણ અંગ્રેજી કેળવણી પણ એટલે સુધી લીધેલી કે ડચ અને અંગ્રેજી બંને સારી રીતે બોલી શકે. અંગ્રેજીમાં ભાષણ કરતાં એમને ક્યાંય અટકવું ન પડતું. અખબારોમાં પત્રો લખવાની આદત કેળવી હતી. ટ્રાન્સવાલ બ્રિટિશ ઈન્ડિયન એસોસિયેશનના મેમ્બર હતા; અને લાંબા વખતથી જાહેર કામમાં ભાગ લેતા આવતા હતા. હિન્દુસ્તાની પણ છૂટથી બોલી શકતા. એક મલાયી બાઈની સાથે તેમનો વિવાહ થયો હતો અને એને પરિણામે એમને બહોળી પ્રજા હતી. અમે બંને વિલાયત પહોંચ્યા કે તુરત કામમાં જોડાઈ ગયા. પ્રધાનને આપવાની અરજી તો સ્ટીમરમાં જ ઘડી કાઢી હતી એ છપાવી નાખી. લોર્ડ એલ્ગિન સંસ્થાનોના પ્રધાન હતા, લૉર્ડ મોલીં હિંદી પ્રધાન હતા. અમે હિંદના દાદાને મળ્યા. તેમની મારફતે બ્રિટિશ કમિટીને મળ્યા. એમને અમારો કેસ સંભળાવ્યો અને જણાવ્યું કે અમારે તો બધા પક્ષને સાથે રાખીને કામ લેવાનો વિચાર છે. દાદાભાઈની તો એ સલાહ હતી જ. કમિટીને પણ એ બરાબર લાગ્યું. એ જ પ્રમાણે સર મંચેરજી ભાવનગરીને મળ્યા. એમણે પણ ખૂબ મદદ કરી. એમની તેમ જ દાદાભાઈની એ સલાહ હતી કે લોર્ડ એલ્ગિન પાસે જે ડેપ્યુટેશન જાય તેમાં આગેવાન કોઈ તટસ્થ અને જાણીતા એંગ્લો-ઈન્ડિયન મળે તો સારું, સર મંચેરજીએ કેટલાંક નામો પણ સૂચવેલાં. તેમાં સર લેપલ ગ્રિફિનનું