પૃષ્ઠ:Dakshin Afrika.pdf/૧૩૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

નામ હતું, વાંચનારને જણાવવું જોઈએ કે આ વખતે સર વિલિયમ વિલ્સન હંટર તો હયાત ન હતા. એ હોત તો દક્ષિણ આફ્રિકાના હિંદીઓની સ્થિતિ સાથેના એમના ગાઢ પરિચયને લીધે એ જ આગેવાન થયા હોત, અથવા તો એમણે જ કોઈ ઉમરાવ વર્ગના મહાન નેતાને શોધી કાઢયો હોત.

સર લેપલ ગ્રિફિનને અમે મળ્યા. તેમની રાજ્યનીતિ તો હિંદુસ્તાનમાં ચાલતી જાહેર ચળવળોની વિરોધી જ હતી. પણ આ સવાલમાં તેમને બહુ રસ આવ્યો અને વિવેકને ખાતર નહીં પણ ન્યાયદૃષ્ટિથી જ આગળપડતો ભાગ લેવાનું તેમણે કબૂલ કર્યું. બધાં કાગળિયાં વાંચ્યાં અને સવાલથી માહિત થયા. અમે બીજા ઍગ્લો-ઈન્ડિયનોને પણ મળ્યા. આમની સભાના ઘણા મેમ્બરોને મળ્યા, અને કંઈ પણ વગ ધરાવનાર એવા બીજા જેટલા માણસો અમને મળી શકે તે બધાને અમે મળ્યા. લોર્ડ એલ્ગિનની પાસે ડેપ્યુટેશન ગયું. તેમણે બધી હકીકત ધ્યાનપૂર્વક સાંભળી. પોતાની દિલસોજી જાહેર કરી. તેની સાથે જ પોતાની મુશ્કેલીઓ બતાવી. છતાં બની શકે એટલું કરવાનું વચન આપ્યું. એ જ ડેપ્યુટેશન લૉર્ડ મોલને પણ મળ્યું. તેમણે પણ દિલસોજી બતાવી. તેના ઉદ્દગારોનો સાર હું પાછળ અાપી ગયો છું. સર વિલિયમ વેડરબર્નના પ્રયાસથી આમની સભાના હિંદુસ્તાનના કારોબારની સાથે સંબંધ રાખનારા સભાસદોની સભા અામની સભાના એક દીવાનખાનામાં મળી અને તેઓની પાસે પણ અમારો કેસ યથાશક્તિ રજૂ કર્યો. એ વેળા આઈરિશ પક્ષના મુખી મિ. રેડમંડ હતા. તેથી તેઓને પણ અમે ખાસ મળવા ગયા હતા. ટૂંકમાં આમની સભાના પણ બધા પક્ષના જે જે સભાસદોને મળી શકાય તેઓને અમે મળેલા. વિલાયતની અંદર અમને કોંગ્રેસની બ્રિટિશ કમિટીની મદદ તો પુષ્કળ હતી જ. પણ વિલાયતના રીતરિવાજ પ્રમાણે તેમાં તો અમુક પક્ષના અને અમુક મતના જ માણસો આવે. એમાં નહીં આવનારા એવા ઘણા હતા કે જેઓ અમારા કામમાં પૂરી મદદ આપતા હતા. એ બધાને જો એકઠા કરીને આ કામમાં રોકી શકાય તો વધારે સારું કામ થઈ શકે એ માન્યતાથી