પૃષ્ઠ:Dakshin Afrika.pdf/૧૪૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

ખબર હતી કે એની કમાણી મહિનાની લગભગ ૪પ પાઉન્ડ હતી. પણ એ બધું મિત્રો વગેરેને મદદ કરવામાં એ વાપરી નાખતો. તેની ઉંમર તે વખતે ત્રીસેક વર્ષની હશે. પણ તે અવિવાહિત રહેલો અને એમ જ જિંદગી ગાળવા તેણે વિચાર રાખેલો. કંઈક પણ લેવા મેં એને ઘણો આગ્રહ કરેલો, પણ એમ કરવાની એણે ચોખ્ખી ના પાડી. 'જો હું આ સેવાનો અવેજ લઉં તો હું ધર્મભ્રષ્ટ થાઉં' એ તેનું વચન હતું. મને યાદ છે કે છેલ્લી રાત્રે અમારું બધું કામ આટોપતાં, સામાન વગેરે બાંધતાં, અમને સવારના ત્રણ વાગેલા. ત્યાં સુધી તે પણ જાગેલ. અમને બીજે દિવસે સ્ટીમર ઉપર વળાવીને જ તે અમારાથી વિખૂટો પડ્યો. એ વિયોગ બહુ દુ:ખદાયી હતો. પરોપકાર એ ઘઉવણી ચામડીનો જ વારસો નથી એ મેં તો ઘણે પ્રસંગે અનુભવેલું છે.

જાહર કામ કરનારા જુવાનિયાઓને સૂચના ખાતર હું એ પણ જણાવી જાઉં કે ડેપ્યુટેશનના ખર્ચનો હિસાબ રાખવાનું કામ અમે એટલી બધી ચોકસાઈથી કરેલું કે સ્ટીમરોમાં સોડાવોટર પીધું હોય તો તેની જે પહોંચ મળે તે પણ એટલા પૈસાના ખર્ચની નિશાની દાખલ સાચવવામાં આવી હતી. તે જ પ્રમાણે તારોની પહોંચો. વિગતવાર હિસાબમાં પરચૂરણ ખર્ચને નામે એક પણ રકમ રાખ્યાનું મને યાદ નથી. એ ધારો તો ન જ હતો.. “યાદ નથી.” એટલું ઉમેરવાનું કારણ એ જ કે કદાચ દિવસને અંતે ખર્ચ માંડતાં બેચાર શિલિંગ યાદ ન રહ્યા હોય અન પરચૂરણ તરીકે મંડાઈ ગયા હોય તો ન કહી શકાય. તેથી જ અપવાદરૂપે “યાદ નથી.” એ શબ્દો વાપર્યા છે.

આ જિંદગીમાં એક વસ્તુ મને ચોખ્ખી જણાઈ છે કે આપણે સમજણા થઈએ છીએ ત્યારથી જ ટ્રસ્ટી અથવા જવાબદાર બનીએ , છીએ. માબાપની સાથે હોઈએ ત્યાં સુધી તેઓ જે કંઈ કામ સોંપે કે પૈસા સોંપે તેનો હિસાબ આપણે તેઓને આપવો જ જોઈએ. વિશ્વાસ રાખી તે ન માગે તેથી આપણે મુક્ત નથી થતાં. આપણે સ્વતંત્ર રહીએ છીએ ત્યારે સ્ત્રીપુત્રાદિક પ્રત્યે આપણી જવાબદારી પેદા થાય છે. આપણી કમાણીના માલિક કેવળ આપણે જ નથી.