પૃષ્ઠ:Dakshin Afrika.pdf/૧૪૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે


તેઓ પણ ભાગીદાર છે. તેઓની ખાતર આપણે પાઈએ પાઈનો હિસાબ રાખવો જોઈએ. ત્યારે જાહેર જિંદગીમાં પડીએ પછીનું તો કહેવું જ શું? મેં જોયું છે કે, સ્વયંસેવકોમાં એક આદત પડી જાય છે કે, કેમ જાણે તેઓ પોતાના હાથમાં રહેલાં કામ અથવા નાણાંનો વિગતવાર હિસાબ આપવાને બંધાયેલા જ નથી, કેમ કે તેઓ અવિશ્વાસને પાત્ર હોઈ જ ન શકે. અા ઘોર અજ્ઞાન જ ગણાય. હિસાબ રાખવાને અવિશ્વાસ કે વિશ્વાસની સાથે કાંઈ જ સંબંધ નથી. હિસાબ રાખવો એ જ સ્વતંત્ર ધર્મ છે. તે વિના આપણું પોતાનું કામ આપણે જ મેલું ગણવું જોઈએ. અને જે સંસ્થામાં આપણે સ્વયંસેવક હોઈએ તે સંસ્થાના નેતા જે ખોટા વિવેકને કે ડરને વશ થઈને હિસાબ ન માગે તો તે પણ દોષને પાત્ર છે. કામનો અને પૈસાનો હિસાબ રાખવાની પગારદારની જેટલી ફરજ છે તેના કરતાં બેવડી ફરજ સ્વયંસેવકની છે, કેમ કે તેણે તો પોતાનું કામ એ જ પગાર માની લીધો છે. આ વસ્તુ બહુ મહત્ત્વની છે અને સામાન્ય રીતે એ બાબત ઉપર ઘણી સંસ્થાઓમાં પૂરતું ધ્યાન નથી આપવામાં આવતું એમ હું જાણું છું. તેથી મેં તેને સારુ આ પ્રકરણમાં આટલી જગ્યા રોકવાની હિંમત કરી છે.


૧પ વક્ર રાજનીતિ અથવા ક્ષણિક હર્ષ

કેપટાઉન ઊતરતાં અને વિશેષમાં જોહાનિસબર્ગ પહોંચતાં અમે જોયું કે મદિરામાં અમને મળેલા તારની જે કિંમત અમે અાંકી હતી તે કિંમત તેની નહોતી, તેમાં મોકલનાર મિ. રિચનો દોષ ન હતો. તેમણે તો જે પ્રમાણે કાયદો નામંજૂર થવા વિશે સાંભળ્યું તે જ પ્રમાણે તાર કર્યો. આપણે ઉપર જોયું કે એ વખતે, એટલે ૧૯૦૬ની સાલમાં ટ્રાન્સવાલ સલ્તનતી સંસ્થાન હતું, એવાં સંસ્થાનોના એલચીઓ હંમેશાં સંસ્થાનોના પ્રધાનને માહિતગાર રાખવા વિલાયતમાં