પૃષ્ઠ:Dakshin Afrika.pdf/૧૪૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

તો છે જ. બ્રિટિશ બંધારણના મૂળ સિદ્ધાંતો જવાબદાર સંસ્થાનોએ પણ કબૂલ રાખવા જ પડે છે. જેમ કે, કોઈ પણ જવાબદાર સંસ્થાનથી કાયદેસર ગુલામગીરીની પદ્ધતિનો પુનરુદ્ધાર ન કરી શકાય. જો ખૂની કાયદો અયોગ્ય છે એમ ધારીને લોર્ડ એલ્ગિને તે રદ કર્યો હોય – અને એમ ધારીને જ રદ કરી શકાય – તો લોર્ડ એલ્ગિનની ચોખ્ખી ફરજ હતી કે તેણે સર રિચર્ડ સોલોમનને ખાનગીમાં બોલાવીને એમ કહેવું જોઈતું હતું કે, આવો અન્યાયી કાયદો જવાબદારી મળ્યા પછી ટ્રાન્સવાલની સરકાર નહીં ઘડે, અને જો ઘડે એવો તેમનો વિચાર હોય તો વડી સરકારે જવાબદારી સોંપવી કે નહીં એ ફરી વિચારવું પડે અથવા તો હિંદીઓના હકો પૂરા જાળવવાની શરતે જ જવાબદાર સત્તા ટ્રાન્સવાલને આપવી જોઈતી હતી. આમ કરવાને બદલે લૉર્ડ એલ્ગિને બહારથી હિંદીઓની હિમાયત કરવાનો ડોળ કર્યો, અને તે જ વખતે અંદરથી ટ્રાન્સવાલ સરકારની ખરેખર હિમાયત કરી, અને જે કાયદો પોતે રદ કર્યો તે જ ફરી પસાર કરવા તેને ઉશ્કેરી. આવી વક્ર રાજનીતિનો આ એક જ અથવા પહેલો દાખલો નથી. બ્રિટિશ સલ્તનતનો સામાન્ય અભ્યાસી પણ એવા બીજા દાખલાઓ યાદ કરી શકે છે.

તેથી જોહાનિસબર્ગમાં અમે એક જ વાત સાંભળી. લોર્ડ એલ્ગિને અને વડી સરકારે આપણને છેતર્યા. અમને તો મદિરામાં જેટલો ઉમંગ થયો હતો તેટલી જ દક્ષિણ આફ્રિકામાં નિરાશા થઈ. છતાં આ વક્રતાનું તાત્કાલિક પરિણામ તો એ આવ્યું કે કોમમાં વધારે જુસ્સો ફેલાયો અને સૌ કહેવા લાગ્યા, "હવે આપણને શી ફિકર છે ? આપણે ક્યાં વડી સરકારની મદદ ઉપર ઝૂઝવાનું છે ? આપણે તો આપણા બળ ઉપર ને જેને નામે પ્રતિજ્ઞા લીધેલી છે તે ઈશ્વરના આશ્રય ઉપર ઝૂઝવું છે. અને જો આપણે ખરા રહીશું તો વાંકી નીતિ પણ સીધી જ થઈ જશે."

ટ્રાન્સવાલમાં જવાબદાર સત્તા સ્થપાઈ. એ જવાબદાર ધારાસભાનો પહેલો કાયદો બજેટ હતો, અને બીજો કાયદો ખૂની કાયદો અને