પૃષ્ઠ:Dakshin Afrika.pdf/૧૫૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

નથી ચાલતી. તેથી અયોગ્ય છે એટલું જ કહું છું. સાર્વજનિક સંસ્થાની મૂડી એ જનસમુદાય જ છે. જ્યાં સુધી તેઓ ઈચ્છે છે ત્યાં સુધી જ એવી સંસ્થાઓ નભવી જોઈએ. મૂડી એકઠી કરી વ્યાજ ઉપર કામ ચલાવનારી સંસ્થા સાર્વજનિક નથી રહેતી, પણ સ્વતંત્ર અને આપમતીલી બની જાય છે. જાહર ટીકાના અંકુશને એ વશ નથી રહેતી. વ્યાજ ઉપર ચાલતી અનેક ધાર્મિક અને સંસારી સંસ્થાઓમાં કેટલો બધો સડો પેસી ગયો છે, એ બતાવવાનું આ સ્થાન નથી. એ લગભગ સ્વયંસિદ્ધ જેવી વાત છે.

ફરી આપણે મૂળ વિષય પર આવીએ. ઝીણી દલીલો કરવાનો અને નુકતેચીનીઓ શોધવાનો ઈજારો કેવળ વકીલોને ઘેર જ નથી અને નથી અંગ્રેજી ભણેલા સુધરેલાઓને ત્યાં. દક્ષિણ આફ્રિકાના અણઘડ હિંદીઓ પણ બહુ જ ઝીણી દલીલો કરી શકે છે એમ મેં જોયું. પ્રથમ થયેલો ખૂની કાયદો રદ થયો એટલે નાટકશાળામાં લીધેલી પ્રતિજ્ઞા પૂરી થઈ એવી દલીલ કેટલાકે કાઢી. જેઓ નબળા પડચા હતા તેઓએ તો આ દલીલની છાયામાં આશ્રય લીધો. દલીલમાં કંઈ વજૂદ ન હતું એમ તો ન જ કહી શકાય. છતાં જેઓ કાયદાની સામે કાયદા તરીકે નહીં પણ તે કાયદામાં રહેલા તત્ત્વની સામે થયા હતા તેઓની ઉપર તો આ નુકતેચીની કંઈ અસર કરી શકે એમ ન હતું. આમ છતાં સલામતીને ખાતર, વધારે જાગૃતિ કરવા ખાતર અને લોકોમાં જો કમજોરી આવી ગઈ હોય તો તે કયાં સુધી આવી ગયેલી છે તે તપાસી જોવાની ખાતર, ફરીથી પ્રતિજ્ઞા લેવડાવવી જરૂરી જણાઈ તેથી ઠેકઠેકાણે સભાઓ ભરી લોકોને પરિસ્થિતિ સમજાવવામાં આવી અને ફરીથી પ્રતિજ્ઞાઓ પણ લેવડાવવામાં આવી. લોકોનો જુસ્સો કંઈ ઓછો થયો હોય એવું જોવામાં ન આવ્યું.

દરમ્યાન જુલાઈ મહિનો નજીક આવતો જતો હતો. એ જ અરસામાં ટ્રાન્સવાલની રાજધાની પ્રિટોરિયામાં એક જંગી સભા ભરવાનો ઠરાવ થયો હતો. બીજાં શહેરોમાંથી પ્રતિનિધિઓ પણ નોતરવામાં આવ્યા હતા. સભા પ્રિટોરિયાની મસ્જિદના ચોગાનમાં ખુલ્લામાં રાખવામાં આવી હતી. સત્યાગ્રહ શરૂ થયા પછી સભામાં માણસો એટલા બધા આવવા લાગ્યા કે કોઈ પણ મકાનમાં સભા ભરાવી એ અશક્ય