પૃષ્ઠ:Dakshin Afrika.pdf/૧૫૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

લાગણી તમારી સાથે છે એ કહેવાની જરૂર ન હોય. મારાથી બની શકતું હોય તો હું તમારી માગણી કબૂલ કરાવી આપું, પણ અહીંના સામાન્ય ગોરાઓના વિરોધ વિશે મારે કઈ તમને ચેતાવવાનું હોય જ નહીં. આજે તમારી પાસે જનરલ બોથાનો મોકલ્યો આવ્યો છું. જનરલ બોથાએ મને આ સભામાં આવી તેમનો સંદેશો સંભળાવવાનું કહ્યું છે. હિંદી કોમને માટે તેમને માન છે. કોમની લાગણીઓ તે સમજે છે. પણ તે કહે છે, 'હું લાચાર છું. ટ્રાન્સવાલના બધા ગોરાઓ કાયદો માગે છે. હું પોતે પણ એ કાયદાની જરૂર જોઉં છું. ટ્રાન્સવાલની સરકારની શક્તિથી હિંદી કોમ વાકેફ છે. આ કાયદામાં વડી સરકારની સંમતિ છે. હિંદી કોમે જેટલું કરવું જોઈએ તેટલું કર્યું ને પોતાનું માન જાળવ્યું છે. પણ જ્યારે કોમનો વિરોધ સફળ ન થયો અને કાયદો પસાર થયો ત્યારે હવે કોમે એ કાયદાને વશ થઈને પોતાની વફાદારી અને શાંતિપ્રિયતા સાબિત કરી દેવાં જોઈએ. એ કાયદાની રૂએ જે ધારાઓ ઘડાયેલા છે તેમાં કંઈ નાનોસૂનો ફેરફાર કરવો હોય તો તે વિશે કોમનું કહેવું જનરલ સ્મટ્સ ધ્યાનપૂર્વક સાંભળશે.' " આમ સંદેશો આપી મિ. હૉસ્કિને કહ્યું, "હું પણ તમને સલાહ આપું છું કે જનરલ બોથાના સંદેશાને તમે માન આપો. હું જાણું છું કે ટ્રાન્સવાલની સરકાર આ કાયદા વિશે મક્કમ છે. તેની સામે થવું એ ભીંત સાથે માથું અફાળવા જેવું છે. તમારી કોમ સામે થઈ ખુવાર ન થાય અને ફોકટ દુ:ખ ન ભોગવે એમ હું ઈચ્છું છું." આ ભાષણનો અક્ષરેઅક્ષર તરજુમો મેં કોમને કહી સંભળાવ્યો. મારી પોતાની વતી પણ સાવચેતી આપી. મિ. હૉસ્કિન તાળીઓના અવાજ વચ્ચે વિદાય થયા.

હિંદીઓનાં ભાષણો શરૂ થયાં. આ પ્રકરણના અને ખરું જોતાં આ ઈતિહાસના નાયકની ઓળખાણ તો મારે હવે કરાવવી રહી. જે બોલનાર ઊભા થયા તેમાં મરહૂમ અહમદ મહમદ કાછલિયા હતા. એમને હું તો એક અસીલ તરીકે અને દુભાષિયા તરીકે ઓળખતો. એઓ અત્યાર સુધી જાહેર કામમાં અગ્રેસર થઈને ભાગ નહોતા લેતા. એમનું અંગ્રેજી જ્ઞાન કામચલાઉ હતું, પણ અનુભવથી એટલે સુધી મેળવી લીધેલું કે પોતાના મિત્રોને અંગ્રેજ વકીલોને ત્યાં લઈ