પૃષ્ઠ:Dakshin Afrika.pdf/૧૫૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

જાય ત્યારે તે પોતે જ દુભાષિયાનું કામ કરતા. દુભાષિયાપણું એ કંઈ તેમનો ધંધો ન હતો. એ કામ તો તે મિત્ર તરીકે જ કરતા. ધંધો પ્રથમ કાપડની ફેરીનો હતો. અને પાછળથી તેમના ભાઈની સાથે ભાગમાં નાનકડા પાયા પર વેપાર કરતા. પોતે સુરતી મેમણ હતા. સુરત જિલ્લામાં તેમનો જન્મ થયો હતો. સુરતી મેમણોમાં તેમની પ્રતિષ્ઠા સરસ હતી. ગુજરાતીનું જ્ઞાન પણ એવું જ હતું, અનુભવે તેમાં ખૂબ વધારો કર્યો હતો. પણ એમની બુદ્ધિ એટલી બધી તેજ હતી કે ગમે વસ્તુ એ ઘણી સહેલાઈથી સમજી જતા. કેસોની આંટીઓ એવી રીતે ઉકેલી શકતા કે હું ઘણી વેળા આશ્ચર્યચકિત થતો. વકીલોની સાથે કાયદાની દલીલ કરતાં પણ એ અચકાય નહીં, અને ઘણી વેળા તેમની દલીલમાં વકીલોને પણ વિચારવા જેવું હોય જ.

બહાદુરી અને એકનિષ્ઠામાં તેમનાથી ચડી જાય એવા કોઈ પણ માણસનો અનુભવ મને નથી થયો દક્ષિણ આફ્રિકામાં કે નથી થયો હિંદુસ્તાનમાં. કોમને અર્થે તેમણે સર્વસ્વ હોમ્યું હતું. મને તેમની સાથે જેટલા પ્રસંગો પડયા તેમાં મેં હમેશાં તેમને એકવચની તરીકે જાણ્યા છે. પોતે ચુસ્ત મુસલમાન હતા. સુરતી મેમણ મસ્જિદના મુતવલ્લીમાંના તે પણ એક હતા. પણ તેની સાથે જ એ હિંદુ-મુસલમાન પ્રત્યે સમદર્શી હતા. મને એવો એક પણ પ્રસંગ યાદ નથી કે જેમાં તેમણે ધમાઁધપણે અને અયોગ્ય રીતે હિંદુ સામે મુસલમાનનો પક્ષ ખેંચ્યો હોય. તદ્દન નીડર અને નિષ્પક્ષપાતી હોવાને લીધે, જરૂરી જણાય ત્યારે હિંદુ-મુસલમાન બંનેને તેમના દોષ બતાવવામાં જરાય સંકોચ ન કરતા. તેમની સાદાઈ ને તેમનું નિરભિમાન અનુકરણ કરવા લાયક હતાં. તેમની સાથેના મારા વરસોના ગાઢ પરિચય પછી બંધાયેલો મારો દૃઢ અભિપ્રાય છે કે મરહૂમ અહમદ મહમદ કાછલિયા જેવું માણસ કોમને મળવું દુર્લભ છે.

પ્રિટોરિયાની સભામાં બોલનારમાં આ નર પણ એક હતો. તેમણે ઘણું જ ટૂંકું ભાષણ કર્યું. તે બોલ્યા, "આ ખૂની કાયદો દરેક હિંદી જાણે છે. તેનો અર્થ આપણે બધા સમજીએ છીએ. મિ. હૉસ્કિનનું ભાષણ મેં ધ્યાનપૂર્વક સાભળ્યું, તમે પણ સાંભળ્યું મારી